રાજ્યમાં કાળઝાળ ગરમીમાં રાહત આપતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભારે પવન સાથે દૂરદૂર સુધી ધૂળની ડમરીઓ ઉડી હતી. આકાશમાં ઉંચે સુધી ધૂળ ઉડતા આખુંયે વાતાવરણ જાણે ધૂળીયુ બની ગયુ હતું. આ સાથે ગાંધીનગરમાં વરસાદી માહોલ સર્જાયો હતો.જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડી હતી . જ્યારે કે બનાસકાંઠાના ભાભર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ચૈત્ર માસમાં અષાઢી માહોલ છવાઈ ગયો હતો. સરહદી ભાભર વિસ્તારમાં પણ છુટાછવાયો વરસાદ વરસ્યો હતો. અહીં ગાજવીજ સાથે વરસાદ અને કરાં પડયા હતા. જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ પડવાથી બાજરી અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભરઉનાળે ખરા બપોરે કરાનો વરસાદ થતાં લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતુ. છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણને કારણે માવઠાની શકયતા સેવાઇ રહી છે. આકાશમાંથી વરસતા કરાને બાળકો અને શહેરીજનોએ વીણીને ભેગા કર્યા હતા. તો દિયોદર, કાંકરેજ, ભાભરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વરસાદી ઝાપટાને કારણે તમાકુ, વરિયાળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

