ગાંધીનગરમાં સીરીયલ કીલરને પકડવા કોમ્બીંગ

ગુજરાત

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં ચાર મહિનામાં ત્રણ વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરનાર સીરીયલ કીલરને પકડવા પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે લોકો પાસેથી પણ મદદથી માંગણી કરવામાં આવી છે ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે બનાવાયેલી એસઆઈટીની ટીમોએ અડાલજ વિસ્તારમાં વિવિધ સ્થળોએ કોમ્બીંગ પણ હાથ ધર્યું હતું. શંકાસ્પદ ઈસમોની પુછપરછ અને તેમના ઘરની તપાસ પણ કરી છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ સચોટ કડી મળી આવી નથી. 

ગાંધીનગરના અડાલજ પંથકમાં દંતાલી ગામમાં રહેતા માલધારી એવા ૬૦ વર્ષીય જયરામભાઈ મફતભાઈ રબારીની  ગામની જ સીમમાં હત્યા કરવામાં આવી હતી અને તેમની સોનાની વાળીની લૂંટ કરાઈ હતી. ત્યારે આ જ પ્રકારે  કોબા ગામના બસ સ્ટેન્ડ પાસે પ્રેક્ષા વિશ્વ ભારતી નજીક લોખંડનો વેપાર કરતાં ૭પ વર્ષીય વૃધ્ધ કેશવલાલ દ્વારકાદાસ પટેલનો મૃતદેહ પણ ગોળી મારી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

શેરથામાં ૪પ વર્ષીય જુઠાજી મગનજી ઠાકોરની માથામાં ગોળી ધરબીને હત્યા કરીં ૧૧ તોલા દાગીનાની લૂંટ પણ થઈ હતી.  જેથી પોલીસ આ હત્યાને પણ દંતાલીની ઘટના સાથે સરખાવીને જોઈ રહી હતી. ત્યારે હવે એક જ મોડેશ ઓપરેન્ડીથી ત્રણ હત્યાઓ થતાં આ મામલે એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે. પોલીસની ટીમો દ્વારા હત્યા કરાયેલા સ્થળોએ પણ અવારનવાર તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મનોચિકિત્સકની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસની આટલી દોડધામ છતાં પરિણામ નહીં મળતાં છેવટે લોકો પાસેથી મદદ પણ માંગવામાં આવી હતી છતાં આ હત્યાઓ અંગે કોઈ સચોટ કડી હજુ પોલીસને મળી નથી. ત્યારે અડાલજ પંથકમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલવા એસઆઈટીની ટીમો દ્વારા કોમ્બીંગ હાથ ધરાયું હતું. શંકાસ્પદ લાગતા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ઈસમોની પુછપરછ હાથ ધરી તેમના ઘરોની તપાસ પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ એવું માની રહી છે કે કોઈ બહારના વિસ્તારમાં આવતા વ્યક્તિએ આ હત્યાને અંજામ આપ્યો હોઈ શકે છે જેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *