કોણ છે મોદીની સભામાં જોવા મળેલા વિંગ કમાન્ડર અભિનંદનના ગુજરાતી હમશકલ?

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનની જેલમાંથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના નામથી એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. જેમાં અભિનંદન જેવી જ દેખાતી એક વ્યક્તિ કૅપ અને ચશ્માં પહેરી, ગળામાં ભાજપના ખેસ સાથે જઈ રહી છે. જે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરને શૅર કરી રહ્યા છે, તેઓ વિંગ કમાન્ડર દ્વારા મોદીને સર્મથન આપવાનો દાવો કરી રહ્યા છે. લોકો આ તસવીર સાથે એવો સંદેશો શૅર કરી રહ્યા છે, “વિંગ કમાન્ડર અભિનંદને ખુલ્લેઆમ ભાજપને સમર્થન કર્યું છે અને મત પણ આપ્યો છે. “

અભિનંદનના નામે જેમની તસવીર વાઇરલ થઈ છે તે ગુજરાતમાં મોદીની સભામાં જોવા મળ્યા ‘નમો ભક્ત’ અને ‘મોદી સેના’ જેવા જમણેરી વલણ ધરાવતા ઘણા મોટા ફેસબુક ગ્રૂપ્સમાં આ તસવીરને શૅર કરવામાં આવી છે. આ વાઇરલ તસવીર ગુજરાતની છે, જેમાં તસવીરની પાછળ ગુજરાતી ભાષામાં ‘ઢોસા સેન્ટર’ અને ‘સમોસા’ પણ લખેલું દેખાય છે. ગુજરાતમાં મતદાન થયું તે પહેલાં જ આ તસવીર વાઇરલ થઈ ગઈ હતી. જે વ્યક્તિ વિંગ કમાન્ડર અભિનંદન જેવી જ દેખાય છે, તે 17 એપ્રિલના રોજ મોદીની આણંદની સભામાં પણ જોવા મળી હતી. મોદીની સભામાં બીબીસી સાથે વાત કરતાં આ વાઇરલ તસવીર તેમની જ હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.