અમદાવાદ મ્યુનિ.ની તમામ સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા આદેશ

ગુજરાત મુખ્ય સમાચાર શૈક્ષણિક

આગામી ચારેક દિવસ હીટવેવની સ્થિતિ રહેશે અને તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી જવાની હવામાન ખાતાની આગાહી છે. તેને જોતા અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ દ્વારા તકેદારીના પગલા રૂપે ૧ થી ૮ ધોરણની તમામ પાળીઓમાં ચાલતી શાળાઓનો સમય સવારે ૭ થી ૧૦ઃ૩૦ કલાકનો કરી દેવાયો છે. તા.૨૫ એપ્રિલથી તા.૪ મે સુધી શાળાનો આ સમય રખાશે.

મ્યુનિ.ની શાળાઓમાં ભણતા બાળકોને ગરમીની આ સિઝનમાં હાલાકી ન પડે તે માટે તમામ શાળાઓ સવારની પાળીમાં ચલાવવાનો આદેશ આપી દેવાયો છે. સવારે ૧૦ઃ૩૦ કલાકે બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે.

૪૫ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની આગાહી વચ્ચે બાળકોને ગરમીથી બચાવવા દરેક શાળાના મુખ્ય શિક્ષકોને જરૂરીયાત પ્રમાણે ઓ.આર.એસ.ના પેકેટ રાખવાની પણ સુચના આપી દેવામાં આવી છે. મુખ્ય શિક્ષકોએ નજીકના અર્બન હેલ્થ સેન્ટરોમાંથી તેની વ્યવસ્થા કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે.

મ્યુનિ.ની તમામ ૩૮૨ શાળાઓ સવારની પાળીની કરી દેવાઇ છે. તેમાં હાલ કુલ ૧.૨૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હીટવેવની આ સ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યની સલામતી માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.