સુશાંત સિંઘ રાજપૂત અને ભૂમિ પેડણેકરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સોનચિડિયાના ડાયરેક્ટર અભિષેક ચૌબેએ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવતી વખતે મારા દિલોદિમાગ પર બેન્ડીટ ક્વીન અને પાનસિંઘ તોમર ફિલ્મો છવાયેલી હતી.
અગાઉ ઇશ્કિયા, ડેઢ ઇશ્કિયા અને ઊડતા પંજાબ જેવી ફિલ્મો આપનારા ચૌબેએ કહ્યું કે ચંબલની કોતરો અદ્ભુત સેટિંગ છે જેના આધારે ઉત્તમોત્તમ ફિલ્મો બની શકે એવું હું લાંબા સમયથી માનતો હતો.
‘અમે ચંબલની કોતરોની મુલાકાત લીધી ત્યારે ભૂતપૂર્વ ડાકુઓ, નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને ડાકુઓના સંપર્કમાં રહ્યા હોય એવા લોકોને મળ્યા હતા. એમની ડાકુઓ વિશેની વાતો એટલી રોમાંચક હતી કે અમને સતત એમ થતું હતું કે સમાજ સામે બહારવટે ચડેલા આ કહેવાતા ડાકુઓ વિશે ફિલ્મ બનાવવી જોઇએ’ એમ ચૌબેએ કહ્યું હતું.
એ પછી અમને સરસ સ્ક્રીપ્ટ મળી અને અમે સોનચિડિયા બનાવવાનું નક્કી કર્યું એમ તેમણે ઉમેર્યું હતું. ચંબલના હાલના રહેવાસીઓ માટે ચંબલની કોતરો હવે ડાકુઓનો અડ્ડો રહી નથી. પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. પરંતુ આજે પણ ત્યાં જાતિ-જ્ઞાાતિ અને ઊંચનીચના ભેદો તેમજ નબળા લોક પરના અત્યાચારો યથાવત્ છે એમ ચૌબેએ કહ્યું હતું.

