આચારસંહિતા બાબતે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ: મોદી-શાહ અંગે 6 મે પહેલાં નિર્ણય કરો

મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના કથિત આચારસંહિતાના ઉલ્લંઘન વિશે કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ 6 મે સુધી પીએમ મોદી અને અમિત શાહના કેસનો ઉકેલ લાવે.

સુનાવણી દરમિયાન સુષ્મિતા દેવ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ચૂંટણી પંચે 31 દિવસમાં બે કેસ સોલ્વ કર્યા છે. આ જ સ્પીડથી કામ કરશે તો 250 દિવસથી વધારે સમય લાગશે. વધુમાં કહ્યું કે, 40 ફરિયાદ કરી હતી, 20ના ઓર્ડર પાસ થયા જે બીજા લોકો વિરુદ્ધના હતા. પરંતુ મોદી અને અમિત શાહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 6 મેના રોજ 462 સીટ માટેની ચૂંટણી થઈ ચૂકી હશે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે મંગળવારે અને બુધવારે આદેશ આપ્યો હતો પરંતુ તે આદેશની કોપી અમને નહતી મળી. અમને મીડિયા પાસેથી ઓર્ડર મળ્યો. તે વિશે ચીફ જસ્ટિસે કહ્યું, તમને મીડિયામાંથી ઓર્ડર મળ્યો કે મીડિયા માટે ઓર્ડર મળ્યો?

SCએ ચૂંટણી પંચને નોટિસ આપી હતી: આ પહેલાં મંગળવારે સુપ્રીમ કોર્ટે સુષ્મિતા દેવની અરજી પર ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતુ કે, ચૂંટણી પંચે આચાર સંહિતા મામલે વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલે પહેલા ચૂંટણી પંચનો નિર્ણય સામે આવવા દો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, આ મુદ્દે હાલ તેમની બેઠક ચાલી રહી છે. તેઓ ટૂંક સમયમાં જ કોઈ એક્શન લેશે.

કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું ચૂંટણી પંચ- કોંગ્રેસ: સિલ્ચરના સાંસદ અને ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી આપીને કહ્યું છે કે, ચૂંટણી પંચનું મૌન અપ્રત્યક્ષ રીતે આચાર સંહિતાનો ભંગ કરતા લોકોને અપ્રત્યક્ષ રીતે સમર્થન કરી રહ્યું છે. સુષ્મિતા દેવે તેમની અરજીમાં કહ્યું છે કે, ચૂંટણી પંચ ધૃણા ફેલાવે તેવા નિવેદનો, રાજકીય ઉદ્દેશો માટે સેનાના શૌર્યનો ઉપયોગ કરવા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સુષ્મિતા દેવની અરજી વિશે સીનિયર વકીલ અને કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ તાત્કાલીક સુનાવણી માટે અપીલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ આજે આ અરજીની સુનાવણી કરશે.

સેનાના શૌર્યનો ચૂંટણીમાં ઉપયોગ ન થવો જોઈએ: નોંધનીય છે કે, ચૂંટણી પંચે નેતાઓને પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી કે તેઓ સૈન્ય બળના પરાક્રમ તેમના યૂનિફોર્મનો ઉપયોગ વોટ માંગવા માટે નહીં કરે. કોંગ્રેસે ચૂંટણી પંચને કરેલી અરજીમાં 10 માર્ચથી પીએમ મોદી અને અમિત શાહના વિવાદિત ભાષણની યાદી સોંપી છે. 10 માર્ચે જ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી જ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી.

એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી ચૂક્યા છે પીએમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી ભાષણમાં ઘણી લખત બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. પીએમએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, અમે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા. ઈજા તેમને થઈ અને પીડા અહીં થઈ છે. 21 એપ્રિલે ગુજરાતના પાટણમાં પીએમએ કહ્યું હતું કે, આ તો સારું થયું પાકિસ્તાને આપણાં પાયલટને પરત મોકલવાની જાહેરાત કરી દીધી નહીં તો તે રાત કતલની રાત થઈ જાત. અન્ય એક રેલીમાં પીએમએ કહ્યું હતું કે, શું તમારો પહેલો વોટ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છે?