ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર જ જૂનાગઢ બાયપાસનુ કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ

ગુજરાત મુખ્ય સમાચાર

જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ 9 વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ આજે અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસીબીને કામ કરતા રોકી દીધા. હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.

જૂનાગઢના ઉત્તર દક્ષીણ ક્ષેત્રે નગરનો વિકાસ થયો સાથે પશ્વિમ દિશામાં રાજકોટ-સોમનાથ જોડતા માર્ગનું રાષ્ટ્રીય ધોરીમાં દ્વારા હાથ ધરાયેલ વિકાસ દરમ્યાન કોયલી નજીકથી વડાલ ગામ સુધીનાં 11 કીલોમીટરનો માર્ગ 10 ગામનાં આશરે 250 જેટલા કૃષિકારોની જમીન કપાતમાં જવાની થતાં જમીન સંપાદન ધારા તળે મળવા પાત્ર યોગ્ય વળતરની સામે ખેડુતોએ વધુ વળતર મળે તે દિશામાં ખેડુત હીતરક્ષક સમિતીનાં બેનર તળે માગ કરતાં 9 વર્ષ બાદ સુખાંત આવ્યો હતો.

સરકારશ્રીનાં નિયમો મુજબ માર્ગ બનાવવા કપાતમાં ગયેલ જમીન ધારોકને 39 કરોડ જેવી રકમ ચુકવવા જણાવાયુ હતુ. ત્યારે સરકાર સમક્ષ ખેડુતોએ વળતર ઓછુ હોવાની રજુઆત કરી હતી. જોકે, બાદમાં કેન્દ્ર સરકારને રજુઆત કરાતા જંત્રી મુજબ નક્કી થયેલી રકમ કરતા ચાર ગણું વધારે એટલે કે સવાસો કરોડથી વધું વળતર આપવા સરકારે નક્કી કર્યું હતુ.

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 1 માર્ચે જૂનાગઢ બાયપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ભૂમિપૂજન કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે વિભાગનાં રાજ્યમંત્રીશ્રી મનસુખ માંડવીયાના હસ્તે થયું. ત્યારે ખેડુતોને વળતર ચુકવ્યા બાદ જમીન સંપાદન થશે તેવી જાહેરાત થઇ હતી. જ્યારે આજે ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડુતોઓએ જેસીબીને કામ કરતા રોકી દીધા છે. ઘટનાને પગલે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.