પબુભા માણેકનું MLA પદ રદ કરવા કોંગ્રેસની વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી દ્વારકાની બેઠક પર ગેરલાયક ઠરેલા પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરવાની તેમજ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટ પબુભા માણેકના કેસમાં સ્ટે ન આપ્યો હોવાથી તેમનું ધારાસભ્ય પદ ત્રણ દિવસમાં રદ કરવામાં આવે. એટલું જ નહીં આ બાબતે જે પણ પગલાં લેવામાં આવ્યા હોય તેની લેખિતમાં જાણ કરવામાં આવે.

અધ્યક્ષે પબુભાના પગાર ભથ્થા અટકાવ્યાં હોવાની મૌખિક જાણ કરી

મીડિયા સાથે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “દ્વારકા વિધાનસભા બેઠક અંગે હાઇકોર્ટે ફોર્મ રદ કરવાનો આદેશ કર્યો છે, સુપ્રીમ કોર્ટે પણ તેની સામે સ્ટે નથી આપ્યો. આ મામલે અમે પબુભાનું ધારાસભ્ય પદ રદ કરવાની રજૂઆત કરી હતી. જે મામલે વિધાનસભાના અધ્યક્ષ તરફથી આ મામલે અમને મૌખિકમાં જાણ કરવામાં આવી છે કે તે તેમના પગાર ભથ્થા અટકાવવાનો આદેશ કરાયો છે. તેમને ધારાસભ્ય તરીકે મળતા તમામ લાભો બંધ કરવામાં આવ્યા છે, તેમજ તેઓ કોઈ સરકારી બેઠકમાં ભાગ નહીં લઈ શકે. આ મામલે અમે જ્યારે લેખિતમાં કોપી માંગી ત્યારે તેમણે કોપી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.”

પક્ષપાતભર્યું વલણ શા માટે?

અમિત ચાવડાએ જણાવ્યું કે, “ભગા બારડના કિસ્સામાં હાઇકોર્ટનો સ્ટે હતો છતાં તેમનું સભ્યપદ રદ કરાયું હતું. ભૂપેન્દ્ર ખાંટના કિસ્સામાં પણ ડબલ જજની બેંચમાં કેસ પેન્ડિગ હતો. સુપ્રીને કોર્ટમાં તેમની અપીલ પેન્ડિગ હતી તો પણ તેમનું સભ્યપદ રદ કરી નાખવામાં આવ્યું. આ પ્રકારનું ભેદભાવ ભર્યું વર્તન શા માટે કરવામાં આવે છે તે મામલે અમે અધ્યક્ષને રજૂઆત કરી હતી.”

અલ્પેશ મામલે કાર્યવાહી કરવા રજૂઆત

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, “કોંગ્રેસના પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશે સ્વેચ્છાએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યુ છે. આથી તેમની સામે પક્ષાતર અને બંધારણની જોગવાઇ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત કોંગ્રેસના દંડક દ્વારા 25મી એપ્રિલના રોજ કરવામાં આવી છે. જે અંગે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવા અંગે પણ અમે રજૂઆત કરી હતી.”