વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હી ખાતે આવેલા રામલીલા મેદાનમાં એક સભા સંબોધતા દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે, રાજીવ ગાંધીએ દેશના યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો પોતાના પરિવાર અને મિત્રો સાથે એક ટાપુ પર વૅકેશન માણવા જવા માટે અંગત ટૅક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી પર વારંવાર ભારતીય સેનાનો અંગત હિતો માટે ઉપયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવે છે, જેના જવાબમાં મોદીએ કહ્યું કે ભારતીય નેવીનું આ જહાજ દેશની દરિયાઈ સીમાઓની રક્ષા માટે છે, જ્યારે તેણે 10 દિવસ સુધી ગાંધી પરિવારની સેવા કરી. તેમણે એમ પણ કહ્યું કે એક આઈએએફ હેલિકૉપ્ટર અને અન્ય સરકારી સુવિધાઓનો પણ આ સમયગાળામાં અંગત ઉપયોગ થયો હતો. આ પહેલાં તેઓ કહી ચૂક્યા છે કે રાજીવ ગાંધી ‘ભ્રષ્ટાચારી નંબર. 1’ તરીકે મૃત્યુ પામ્યાં.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ રાજીવ ગાંધી ડિસેમ્બર 1987માં લક્ષદ્વીપના બંગરામ ટાપુ પર ગયા હતા, જેમાં સોનિયા ગાંધી, સોનિયા ગાંધીનાં બહેન, બનેવી તેમજ બાળકો, રાહુલ, પ્રિયંકા, તેમના મિત્રો, અમિતાભ અને જયા બચ્ચન, તેમનાં બાળકો તેમજ અમિતાભના ભાઈ અજિતાભનાં પુત્રી પણ સામેલ હતાં.

