અમદાવાદ હાઇવે નજીક આવેલી એક ટેન્કર બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો વેલ્ડર રવિવારે બપોરે ચા પીવા ગયા બાદ ગુમ થઇ ગયો હતો.જેને લઇ તેની સાથે કામ કરતા પરિવારજનો સહિત સાથી કામદારોએ તેની શોધખોળ કરી પરંતુ મોડી રાત સુધી તેનો કોઇ પતો લાગ્યો ન હતો.જ્યારે સોમવારે વહેલી સવારે હાઇવે નજીકથી વેલ્ડરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.
યુપીના સારનપુર જિલ્લાનો રહેવાસી અને પાલનપુરના અમદાવાદ હાઇવે નજીક આવેલી એક ટેન્કર બનાવવાની ફેક્ટરીમાં વેલ્ડર તરીકેનું કામ કરતો કુરબાન સહિદભાઈ સૈફી રવિવારે બપોરે 3 વાગ્યા આસપાસ ફેક્ટરી નજીક ચા પીવા ગયો હતો.જે યુવક ચા પી મોડે સુધી પરત ફર્યો ન હતો.જેને લઇ ફેકટરીમાં કામ કરતા યુવકના સગા સહિત તેના સાથી મજુરોએ ફેક્ટરી સહીત આજુબાજુ આવેલી ઝાડીજાખરીમા યુવકની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ મોડી રાત સુધી યુવકનો કોઇ પતો લાગ્યો ન હતો.જ્યારે સોમવારે વહેલી સવારે ફરી યુવકની શોધખોળ હાથ ધરતાં અમદાવાદ હાઇવે નજીક ફેક્ટરી નજીક એક હોટલની બાજુમાં ખુલ્લી ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
જે અંગેની જાણ તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો.ત્યારે યુવકની સાથે ફેક્ટરીમા કામ કરતા યુવકના બનેવી મહેબૂબ સૈફીએ જાણાવ્યુ હતું કે રવિવારે બપોરે ગુમ થયા બાદ અમારી ફેક્ટરીના ડ્રાઈવરને હાઇવે પરથી મોબાઇલ મળ્યો હતો.જે મોબાઇલ વેરવિખેર હાલતમા હતો.જ્યારે રવિવારે મોડી રાત સુધી આજુબાજુની તમામ જગ્યાએ શોધખોળ કરી હતી.પરંતુ અમને કંઇ જ મળ્યું ન હતું.જ્યારે વહેલી સવારે શોધખોળ કરેલી જગ્યાએથી જ મૃતદેહ મળ્યો જેથી શંકા થાય છે કે મારા સાળાને કોઇ ઉપાડી લઇ ગયું હોય અને મારીને ફેંક્યો હોય.જે અંગે પોલીસે એ.ડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.મૃત્તક યુવકના મોઢાના નીચેના ભાગે કોઇ ઘા ના નિશાન જોવા મળ્યા હતા.જ્યારે યુવકના બંને પગ એડીથી ઉપરના ભાગે તુટેલી હાલતમા હાડકા બહાર નિકળી ગયેલા જોવા મળ્યા હતા.

