17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાન પ્રમાણે દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમતી સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે. ભાજપને ગઈ વખતે 282 સીટ મળી હતી. રૂઝાનમાં આ વખતે બીજેપી 272 સીટથી આગળ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી સોનિયા આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ બિહારની મધેપુરા સીટ પર મહાગઠબંનના ઉમેદવાર શરદ પવાર 40 હજાર મતથી પાછળ છે. લખનઉમાં રાજનાથ, ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર અને ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. પરંતુ નાગપુરમાં નિતિન ગડકરી અને સુલ્તાનપુરમાં મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધ્યા 53 હજાર અને ભોપાલ સીટથી દિગ્વિજય સિંહ 67 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.
11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં વોટિંગની પ્રક્રિયા દરમિયાન 67.11% મતદાન થયું છે. જે લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધારે છે. આ વખતે 10માંથી 9 એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીતનો અંદાજ જાહેર કર્યો છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડૂએ મોદી વિરોધી પક્ષો સાથે મુલાકાત શરૂ કરી દીધી છે.
સેન્સેક્સ પહેલીવાર 40 હજારને પાર
આ દરમિયાન ચૂંટણી પરિણામોની અસરથી સેન્સેક્સ 40,000 ઉપર પહોંચી ગયો છે. ગઈ વખતે 16 મે 2014ના પરિણામ આવ્યા ત્યારે સેન્સેક્સે પહેલી વાર 25,000ની સપાટી વટાવી હતી. આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સેન્સેક્સે 40 હજારની સપાટી વટાવી છે.
મોદીએ ઈન્દિરા ગાંધીની બરોબરી કરી
જવાહરલાલ નહેરુએ સતત ત્રણ વખત અને ઈન્દિરા ગાંધીએ સતત બે વખત કોંગ્રેસને પૂર્ણ બહુમત અપાવીને સરકાર બનાવી હતી. નહેરુએ 1952, 1957 અને 1962માં ચૂંટણી જીતી હતી. જ્યારે ઈન્દિરા ગાંધીએ 1967 અને 1971ની ચૂંટણી પૂર્ણ બહુમતી સાથે જીતી હતી. મોદીએ હવે ઈન્દિરા ગાંધીની બરોબરી કરી લીધી છે. 2014માં તેમના નેતૃત્વમાં ભાજપે 282 સીટો જીતી હતી. આ વખતે તેઓ 280થી વધારે સીટો જીતી રહ્યા છે.

