રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપના બંને ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. બીજી તરફ કોંગ્રેસ તરફથી હજી સુધી ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી નથી.
ભાજપના બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બપોરે વિધાનસભાના ત્રીજા માળે નાયબ સચિવ ચેતન પંડ્યાની ચેમ્બરમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક મળશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ ,પ્રદીપસિંહ જાડેજા , દંડક પંકજ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહેશે.
કોંગ્રેસ હાઇકમાન્ડ નક્કી કરશે ઉમેદવારોના નામ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સોમવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામની પસંદગી હાઇકમાન્ડ તરફથી કરવામાં આવશે. આને લઈને આજે બપોરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળશે.
સીલસીલો યથાવત રહ્યો
ગુજરાતમાંથી એક રાષ્ટ્રીય નેતાને રાજ્યસભામાં મોકલવાની સીલસીલો ભાજપે યથાવત રાખ્યો છે. ભાજપે વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા લાલકૃષ્ણ અડવાણી, સ્મૃતિ ઈરાની અરુણ જેટલી જેવા નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે.
લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. બંને નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. હવે આ બંને બેઠકો પર ચૂંટણી યોજાશે.