અમેરિકાના હિમપ્રપાતની અસર ભારતને પણ થઈ

દેશ-વિદેશ

અમેરિકામાં થઇ રહેલા જીવલેણ હિમપ્રપાતની થપાટ હવે ભારતને પણ વાગી છે.છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે.ઉત્તર ભારતનાં સાત રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો અનુભવાઇ રહ્યો છે. કાશ્મીર, મસુરી, કેદારનાથ,બદ્રીનાથ,શિમલામાં ચારે તરફ બરફ છવાઇ ગયો છે.  આ બધાં સ્થળોએ લઘુત્તમ તાપમાનનો પારો માઇનસ ૭ ડિગ્રી જેટલોે નીચો નાંધાયો હતો. હાલ ભારતમાં થઇ રહેલી ભારે બરફ વર્ષા અને  હવામાનમાં થઇ રહેલા ચિંતાજનક ફેરફારનું કારણ પોલાર વોર્ટેક્સ(ઉત્તરધ્રવના પવનો)ની સીધી અસરછે એવી વિશિષ્ટ માહિતી સંયુક્ત રાષ્ટ્રસંઘની ક્લાઇમેટ સર્વિસીસના વાઇસ ચેરમેન અને વિશ્વ પ્રસિદ્ધ હવામાનશાસ્ત્રી ડો.લક્ષ્મણ સિંહ રાઠોડે ગુજરાત સમાચારને આપી હતી.  ભારતીય હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલ તરીકે ઉત્તમ સેવા આપી ચૂકેલા ડો.લક્ષ્મણ સિંહ રાઠોડે  જયપુરથી એક ખાસ ટેલિફોનિક ઇન્ટર્વ્યુમાં ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે હાલ અમેરિકાના મીડ વેસ્ટ વિસ્તારનાં ૧૦ રાજ્યોમાં પોલાર વોર્ટેક્સની ભારે અસર થઇ રહી છે. અમુક રાજ્યોનું લઘુત્તમ તાપમાન માઇનસ(-)૩૩થી માઇનસ(-) ૫૨ ડિગ્રી સેલ્સિયસ જેટલા કલ્પનાતીત તબક્કે પહોંચી ગયું હતું.આ પ્રકારના હવામાનમાં જેટ સ્ટ્રીમ(પૃથ્વીના વાતાવરણના ટ્રોપોસ્ફિયરના પટ્ટામાં તીવ્ર ઝડપથી અને બહુ સાંકડા પટ્ટામાં ફૂંકાતા પવનોનો પ્રવાહ)બહુ મહત્વનું પરિબળ ગણાય છે.હવે જેટ સ્ટ્રીમની અસર નબળી પડી જાય ત્યારે તે ફંટાઇને દક્ષિણ દિશા ભણી  ગતિ કરે છે. હવામાનમાં  થયેલા આ આ ફેરફારની સીધી અસર હવે  ઉત્તર ભારત સાથે છેક  મધ્ય ભારત સુધી પણ થવાની શક્યતા છે. ભારતમાં થઇ રહેલી પોલાર વોર્ટેક્સની આવી અકળ અસર હજી થોડા દિવસ રહે તેવો સંકેત પણ ડો.લક્ષ્મણ સિંહ રાઠોડે આપ્યો હતો. આજે મુંબઇનું લઘુત્તમ તાપમાન અચાનક ઘટીને ૧૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું.સાથોસાથ ઉત્તર  દિશામાંથી અતિ ટાઢાબોળ પવનો પણ ફૂંકાય છે.