લોકસભાની ચૂંટણીનાં છેલ્લા સાતમા તબક્કામાં પશ્ચિમ બંગાળ, પંજાબ અને યુપીમાં બોમ્બ વિસ્ફોટ અને વાહનોને આગચંપીની હિંસક ઘટનાઓ વચ્ચે સરેરાશ ૬૪ ટકા મતદાન થયું હતું. ૮ રાજ્યોની કુલ ૫૯ સીટ માટે મતદાન સંપન્ન થતાં જ આખા દેશમાં કુલ ૫૪૨ સીટ પર મતદાન પૂર્ણ થયું હતું, હવે સૌની નજર ૨૩મીએ જાહેર થનારા પરિણામો પર છે. રવિવારે ૮ રાજ્યોમાં ૫૯ સીટ માટે જેમાં યુપીમાં ૧૩, બિહારમાં ૮, મધ્ય પ્રદેશમાં ૮, પશ્ચિમ બંગાળમાં ૯, ઝારખંડમાં ૩, હિમાચલ પ્રદેશમાં ૪, ચંડીગઢમાં ૧ અને પંજાબની ૧૩ સીટ પર મતદાન યોજાયું હતું. ૧૦.૧ કરોડ મતદારો પૈકી કરોડોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ ૯૧૮ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું હતું.
બંગાળમાં ડાયમંડ હાર્બર લોકસભા સીટનાં ભાજપનાં ઉમેદવાર નિલંજન રોયની કાર પર હુમલો કરીને તોડફોડ કરાઈ હતી. તેઓ મમતા બેનરજીનાં ભત્રીજા અભિષેક બેનરજી સામે લડી રહ્યા છે. બંગાળમાં બે સ્થળે ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને કાર તેમજ વાહનોને આગ લગાડાઈ હતી. બંગાળમાં ગિલાબેરિયા, બરાસાત અને ભાટપાડામાં બોમ્બ ઝીંકાયા હતા. લગભગ ૩૦ જેટલા જીવતા બોંબ મળી આવ્યા હતા. યુપીમાં ચંદોલી-મુગલસરાય કોટવાલીમાં ભાજપ-સપાનાં કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. યુપી અને એમપીમાં ફરજ દરમિયાન ૪ પોલિંગ ઓફિસરનાં મોત થયા હતા. પંજાબનાં ગુરદાસપુરમાં કોંગ્રેસનાં કાર્યકરો અંદરોઅંદર ઝઘડયા હતા. જેમાં ૩ લોકોને ઈજા થઈ હતી. ભટિંડામાં તલવંડી સાબો ખાતે પોલિંગ બૂથ નંબર ૧૨૨ની બહાર બે જૂથ વચ્ચે મારામારીમાં એકને ઈજા થઈ હતી.