PSI પર બુટલેગરે દારૂ ભરેલું વાહન ચઢાવી દેતા ગંભીર, હોસ્પિટલમાં ખસેડાયા

ગુજરાત

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બુટલેગરો બેફામ બનતા હવે ખુદ પોલીસ પર જ હુમલા કરી રહ્યા છે. શામળાજીમાં બુટલેગરે પીએસઆઈ અર્જુન વાળા પર દારૂ ભરેલી કાર ચડાવી દેતા તેમનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ અનેકવાર અરવલ્લી જીલ્લામાં પોલીસ કર્મચારીઓ પર બુટલેગરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટનાઓ બની છે. હવે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર પીએસઆઈ વાય.વાય.ચૌહાણ પર રાણી બોર્ડર પર બુટલેગરે દારૂ ભરેલ વાહન ચઢાવી દેતા પગના ભાગે ૪ ફ્રેક્ચર થતા ચકચાર મચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત પીએસઆઈ ચૌહાણને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન રાજ્યને અડીને આવેલી સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના છાણી આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરી ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે.વિજયનગરના પીએસઆઇ વાય. વાય. ચૌહણને ખાનગી વાહનમાં બુટલેગર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવાનો હોવાની બાતમી મળતા રાણી બોર્ડર પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધર્યું હતું. બાતમી આધારિત વિદેશી દારૂ ભરેલ વાહન આવતા પીએસઆઇ ચૌહાણે અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર ઉશ્કેરાયો હતો અને દારૂ ભરેલી ગાડી પીએસઆઇ ચૌહાણ પર ચઢાવી દીધી હતી. જેના પગલે પીએસઆઇ ચૌહાણને ગંભીર ઇજા પહોંચી હતી.

આ હુમલામાં પીએસઆઇ ચૌહાણના પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.