ગુજરાતના ગિરના સિંહની ચર્ચાતો તમે સાંભળી હશે પરંતુ ગિરના ગાયો વિશે ઓછી જાણકારી જ લોકો પાસે છે. ગિરની ગાયો ભારતની બીજી સામાન્ય ગાયો કરતા વધુ દુધ આપે છે. ગિર ગાય એકવાર બાળકના જન્મ પછી વધુમાં વધુ 5000 લીટર દુધ આપે છે, જ્યારે સામાન્ય ગાય 2થી અઢી હજાર લીટર દુધ આપે છે. કેન્દ્ર સરકાર આ જાતીની ગાયોને વધારવા માટે બ્રાઝિલથી ગિરના આખલાનું વીર્ય મંગાવી રહી છે.
ગીર જેબુ જાતિની મુખ્ય ગાય છે. આમ તો ગીર જાતિની ગાયો ગુજરાતના ગીરના જંગલો અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. હાલના વર્ષોમાં ભારતમાં સ્વદેશી જાતિની ગાયની સંખ્યામાં ઘટાડો થયો છે. પ્રાણી વૈજ્ઞાનિકો ઉપરાંત કેન્દ્ર સરકારે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે બ્રાઝિલનો આશરો લેવો પડ્યો. ભારત સરકાર બ્રાઝિલ ગીરના આખલાઓનું એક લાખ વીર્યના ડોઝ મંગાવી રહી છે. કેન્દ્રીય પશુપાલન રાજ્ય મંત્રી સંજીવ બલાયેને જણાવ્યું હતું કે ગીરના આખલાઓનું વીર્ય આગામી બે મહિનામાં માંગવામાં આવશે, અને જણાવ્યું કે દેશભરમાં 1 લાખ નમૂનાઓનું વિતરણ કરવામાં આવશે જેથી દેશી જાતિની ગાયોનું રક્ષણ થઈ શકે.
ગીરની આખલાઓના વીર્યને બ્રાઝિલથી મંગાવવાનો મુદ્દો થોડો વિચિત્ર લાગશે પરંતુ તે પાછળ એક રસપ્રદ વાર્તા છે. હકીકતમાં 18મી સદીમાં ભાવનગરના મહારાજાએ ગિર જાતિની ગાયને બ્રાઝિલને એક ભેટ તરીકે આપી હતી. બ્રાઝિલ ભારતની સ્વદેશી જાતિની આ ગાયોનું સંરક્ષણ આપતું રહ્યું. આ પ્રજાતિ ત્યાં ખુબ જ ઉછરી. સમય જતા અમેરિકામાં ગીર ગાયો ખૂબ પ્રખ્યાત થઈ. આ ગાયોએ ત્યાંના વાતાવરણમાં પોતાને અનુકૂળ કર્યા અને મોટી માત્રામાં દૂધ આપવાનું શરૂ કર્યું. જ્યારે ભારતમાં દેશી ગાયની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. અહીંના ખેડુતોએ છેલ્લા કેટલાક વર્ષોમાં જર્સી ગાયને પ્રાધાન્ય આપ્યું હતું, જેણે સ્થાનિક ગાય કરતાં વધુ દૂધ આપ્યું હતું. હવે ભારત સરકારે જૂની મિત્રતાને યાદ કરીને બ્રાઝિલથી વીર્ય મંગાવવાનો નિર્ણય કર્યો છે.