ગાંધીનગર રેન્જ આઈજી(ઇન્સપેક્ટર જનરલ) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું, “12 મેએ વરઘોડામાં જે વિવાદ થયો એ પછી રાત્રે અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડીએસપી(ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) વચ્ચે બેઠક બોલાવી હતી અને સમુદાયો વચ્ચે સુમેળ કરાવ્યો હતો. જે દુર્ઘટના થઈ છે એની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.” ખંભીસર ગામમાં બહુમતી સવર્ણો છે અને તેમાં 40 જેટલાં ખોરડાં દલિતોનાં છે. આશરે 200 જેટલા દલિતોનો વસતી છે. 12 મેની ઘટનાને વર્ણવતા જયેશ કહે છે, “રાત્રે જેવું જ અંધારું થયું કે ગામની લાઇટો બંધ કરી દેવામાં આવી. અમારા વિસ્તારની લાઇટો ચાલુ હતી પણ ગામની લાઇટો બંધ થઈ ગઈ. જે બાદ પથ્થરમારો થયો.” “પથ્થરમારા અને લાઠીચાર્જમાં મારાં બહેન અને મારી આઠ વર્ષની નાની ભાણેજને ઈજા થઈ છે. ડીજેને ખૂબ નુકસાન થયું. ડીજેના માલિકના ફોન આવ્યા કરે છે મારે તેમને શું જવાબ આપવો?” “અમને પહેલાંથી ખબર હતી કે આ લોકો અમારો વિરોધ કરવાના છે. તો પણ અમે નક્કી કર્યું કે વરઘોડો કાઢવો છે. અમારે ક્યાં કંઈ ખોટું કરવાનું હતું? ખોટું કરતા હોઈએ તો ડરીએ. કાલે તો અમે વરઘોડો ના કાઢી શક્યા પરંતુ આજે અમે કાઢીશું.” પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટનાના બીજા દિવસે ગામમાંથી રંગેચંગે જાન નીકળી હતી. ગામમાંથી પોલીસના રક્ષણના હેઠળ જાન નીકળી હતી.

