આગલા 48 કલાકમાં ચોમાસુ કેરળ તટે ટકોરા મારી શકે છે. ભારતીય હવામાન વિભાગની અગાહી મુજબ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાંથી આવતા પવનના કારણે ચોમાસાને આગળ વધવા અને મજબૂત બનવામાં મદદ મળશે. આ સ્થિતિ ચાલુ રહે તો હવે પછીના 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આંધ્રપ્રદેશમાં કેટલીય જગ્યાએ પ્રિમોન્સુન વર્ષ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે નૈઋત્યનું ચોમાસુ 6 દિવસ મોડું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસુ બેસી જાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની વકી છે. દિલ્હી સહીત ઉતર ભારતના કેટલાય વિસ્તારોમાં ગરમ પવનો ક્રમશ: ધીમા પડી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચ, એપ્રિલ અને મેમાં થતો ચોમાસા પુર્વેનો વરસાદ આ વખતે ઓછો પડયો છે. કેરળમાં 6 જૂને મેઘરાજા છડી પોકારે તેવી આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે એમાં 4-6 દિવસનો ફેરફાર શકય છે.

