પ્રથમ વિજય સાથે જ વિશ્વ કપમાં ભારતે આ ભ્રમ ભાંગ્યા અને રેકૉર્ડ્સ બનાવ્યા

ખેલ-જગત મુખ્ય સમાચાર

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 50મો વન ડે વિજય મેળવ્યો છે અને વર્લ્ડ કપ 2019ના પોતાના અભિયાનના સફળ પ્રારંભ સાથે જ ભારતે નવા વિક્રમો સ્થાપિત કરી પરંપરાગત માન્યતાઓને તોડી છે.

રોહિત શર્માની શાનદાર સદી અને એ અગાઉ યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની વેધક બૉલિંગની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે.

પ્રથમ બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં નવ વિકેટે 227 રનનો સામાન્ય કહી શકાય તેવો સ્કોર નોંધાવ્યો હતો જે ભારતે ખાસ મુશ્કેલી વિના 47.4 ઓવરમાં ચાર વિકેટે વટાવી દીધો હતો.

મૅચ જીતવા માટે 228 રનના લક્ષ્‍યાંક સામે રમતી ભારતીય ટીમે શિખર ધવનની વિકેટ તો સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ રોહિત શર્મા એક છેડે ટકી ગયો હતો. તેણે તેની વન-ડે કારકિર્દીની 23મી અને વર્લ્ડ કપની બીજી સદી નોંધાવી હતી.

રોહિતે 128 બોલમાં સદી પૂરી કર્યા બાદ 144 બોલમાં બે સિક્સર અને 13 બાઉન્ડ્રી સાથે અણનમ 122 રન ફટકાર્યા હતા. ઘોનીએ 34 રન ફટકારવા ઉપરાંત રોહિત સાથે 74 રન ઉમેર્યા હતા.

ધવન આઠ અને કેપ્ટન વિરાટ કોહલી 18 રન નોંધાવીને આઉટ થઈ ગયા બાદ રોહિત શર્મા અને લોકેશ રાહુલે ત્રીજી વિકેટ માટે 85 રન ઉમેર્યા હતા. રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું.

આમ ઓછા રનવાળી દેખાતી મૅચમાં ભારતે વિશ્વ કપની ગંભીરતા સમજી પ્રોફેશનલ બૅટિંગ કરી હતી.