મુંબઈમાં વિરારમાં વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ પ્રકરણે ન્યાય માટે લડી રહેલા પરિવારના સભ્યોએ હવે મંગળવારથી આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી પણ કરી હતી. જો ન્યાય ન મળે તો અગ્નિસ્નાન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. વિશ્ર્વ વાગડ વિસા ઓસવાળ ક્ષત્રિય સમાજના પ્રમુખ લખમીચંદ સરલાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે વિરાર પાસેના સકવાર ગામમાં આવેલ વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થી મીત છાડવા, કુશલ ડાઘા અને રાહુલ પટેલનાં મોત થયાં હતાં અને આ પ્રકરણે તેમના પરિવારજનો છેલ્લાં ચાર વર્ષથી ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે શાળામાં ચાલતા કથિત દુરાચારની જાણ એ ત્રણેય વિદ્યાર્થીને થઇ જતાં તેમને મારી નાખવામાં આવ્યા હતા.

