વિદેશ મંત્રાલયે SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષીય વાતચીતની ખબરને ફગાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નક્કી નથી. આ પહેલા તેવી અટકળો હતી કે, SCO શિખર સમ્મેલન સિવાય વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ શકે છે. પાકિસ્તાનના વિદેશ સચિવ અને ભારતમાં તેમના પૂર્વ હાઇ કમિશ્નર ભારત આવ્યા ત્યારથી આ બાબતને જોર મળી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ સચિવ જે રીતે ભારતની મુલાકાત કરી. તેનાથી બંન્ને દેશો વચ્ચે ફરી વાર વાતચીત શરૂ થવાની અટકળો તેજ થઇ હતી. આગામી અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં બંન્ને દેશોના વડાપ્રધાનની મુલાકાતના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
