શક્તિશાળી BCCIને ICCએ દેખાડી આંખ, ધોનીને લઇને દાખવ્યું આકરું વલણ

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બીસીસીઆઈએ ત્યારબાદ આઈસીસીને અપીલ કરી હતી કે ધોનીને એ ગ્લવ્સ સાથે વિકેટકીપિંગ કરવાની અનુમતિ આપે જેને તે પહેરવા માંગે છે. એમએસ ધોની સાથે જોડાયેલો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તે સાઉથ આફ્રિકા સામેની મેચમાં આ ગ્લવ્સ પહેરીને રમવા ઉતર્યો હતો. જેણે પણ આ મેચમાં ધોનીને બલિદાન બેઝ સાથે રમતો જોયો તો સૌએ ધોનીની વાહવાહી કરી હતી, પરંતુ આઈસીસીને આ પસંદ આવ્યું નહોતુ. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું કે ધોનીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તે ગ્લવ્સ પર કોઈ વ્યક્તિગત મેસેજ ના લખી શકે. આઈસીસીનાં કડક વલણ બાદ બીસીસીઆઈ પોતાનું વલણ બદલી શકે છે. તે આ મુદ્દાને વધારે ના ચગાવીને ધોનીને ગ્લવ્સ બદલવાનું કહી શકે છે.

આજે સવારે જ બીસીસીઆઈએ આઈસીસી પાસે માંગ કરી હતી કે ધોનીને બલિદાન ગ્લવ્સ પહેરીને રમવાની પરવાનગી આપવામાં આવે. આ માંગ પર આઈસીસીએ સ્પષ્ટ ના કહી દીધી છે કે ધોની બલિદાન બેઝનાં ગ્લવ્સ સાથે ના રમી શકે. આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું છે કે, ધોની ફરીવાર આ ગ્લવ્સ પહેરીને મેદાન પર ના ઉતરે. આની પાછળ આઈસીસીએ જી-1 નિયમની દલીલ આપી છે જે કહે છે કે, ‘મેદાન પર કોઈ પણ ખેલાડી પોતાના ડ્રેસ પર એવા કોઈ ચિહ્નનો ઉપયોગ ના કરી શકે જેનાથી કોઈ ધાર્મિક, રાજકીય કે પછી રંગભેદનો સંદેશ જાય અથવા પછી કોઈની ભાવનાઓને હાનિ પહોંચે.’

ઉલ્લેખનીય છે કે આ પહેલા બીસીસીઆઈ તરફથી વિનોદ રાયે કહ્યું હતુ કે, “અમે આઈસીસીને સૂચના મોકલી છે કે ધોનીનાં ગ્લવ્સ પર જે ચિહ્ન છે તે વ્યાવસાયિક અને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. જેવું અમે જાણીએ છીએ કે તેને પરવાનગી મળી શકે છે.” જો કે વિનોદ રાયની આશાથી વિપરીત આઈસીસીએ પરવાનગી આપવાની ના કહી દીધી છે.