મ્યુનિ. બસના 80 ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા પેસેન્જરો હાલાકીમાં મૂકાયા

ગુજરાત મુખ્ય સમાચાર

મ્યુનિ.ની વી.એસ. હોસ્પિટલની જેમ જ એએમટીએસની સિટી બસોનો વહિવટ ણ ખાડે ગયો છે. આજે બપોરની બે વાગ્યાની શિફ્ટમાં ખાનગી ભાડાની બસોના ડ્રાઇવરોને સમયસર પગાર નહીં ચૂકવાયો હોવાના કારણે ૮૦ જેટલા ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા સારંગપુર અને લાલ દરવાજા ડેપોના પેસેન્જરો કાળઝાળ ગરમી વચ્ચે ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચાર્ટર નામના કોન્ટ્રાક્ટરની ૧૦૦ બસો છે, તેમાંથી ૨૦ બસો નીકળી ગયા બાદ ૮૦ બસોના ડ્રાઇવરો એકઠા થઈને સારંગપુર ખાતે એકાએક હડતાળ પર બેસી ગયા હતા. આ અંગેની જાણ થતાં એએમટીએસના ઉચ્ચ અધિકારીઓ સારંગપુર ખાતે દોડી ગયા હતા.

ચાર્ટર નામના કોન્ટ્રાક્ટરે આ અંગે નોટિસ આપીને પેનલ્ટી પણ કરવામાં આવશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. વેકેશનના કારણે આમ પણ ૩૦ જેટલી બસો રૃટ પર ઓછી મૂકાય છે, તે સમયે વધુ ૮૦ બસો ઠપ્પ થઈ જતાં સાંજના પીક અવર્સમાં ઉતારૃઓ ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, એએમટીએસની પોતાની ૧૦૦ જ બસો રહી છે. જ્યારે ૬૦૦ બસો ખાનગી કોન્ટ્રાક્ટરોની છે. વેકેશન હોવાથી એએમટીએસની ૭૦ જેટલી બસો જ રોડ ઉપર મુકાય છે. અમદાવાદની વસ્તી અને વ્યાપ વધ્યો છે, લોકો દૂર દૂર સુધી રહેવા ગયા છે ત્યારે પબ્લિક ટ્રાન્પોર્ટેશન- સિટી બસની મોટા પ્રમાણમાં જરૃર છે જ્યારે બીજી તરફ અવ્યવસ્થાના કારણે બસોની સંખ્યા, પેસેન્જરની સંખ્યા અને આવક ઘટતી જાય છે.

હવે જ્યારે રીંગરોડની બહારની બાજુએ એફોર્ડેબલ હાઉસીંગની સ્કીમો મુકાયેલી છે ત્યારે એ વિસ્તારમાં સિટી બસોની માગણી મોટા પ્રમાણમાં ઉભી થવાની છે અત્યારથી આયોજન કરવામાં નહી આવે તો ત્યાં રહેવા જનારા સામાન્ય સ્થિતિના નાગરિકો ભારે હાલાકીમાં મુકાવાના છે.