ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની મેચ આવતીકાલે એટલે કે 9 જૂનનાં રોજ કેનિંગ્ટન ઑવલ લંડનમાં રમાશે. વર્લ્ડ કપની વાત કરીએ તો કાંગારૂઓ સામે ભારતનો રેકૉર્ડ ડરામણો છે. ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા ધૂળ ચટાડી હતી. તો ઑસ્ટ્રેલિયાને 2019 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડીઝ સામે જીત મળી છે. ભારત સામે ઑસ્ટ્રેલિયા જીત મેળવવાનાં તમામ પ્રયત્નો કરશે.
વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો રેકૉર્ડ ખરાબ
ભારત અને ઑસ્ટ્રેલિયા 1983થી અત્યાર સુધી 11 વાર ટકરાઈ ચુક્યા છે જેમાંથી 8 વખત કાંગારૂ ટીમ જીતી છે, જ્યારે ભારતીય ટીમને ફક્ત 3 વાર જ જીત મળી છે. કેનિંગ્ટન ઑવલની વાત કરીએ તો આ મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ છે. 4 જૂન 1999નાં વર્લ્ડ કપની આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 77 રને હરાવ્યું હતુ. હવે 20 વર્ષ બાદ એકવાર ફરી બંને ટીમો આ મેદાન પર ટકરાશે. 1974થી 2017 સુધી ભારતે કેનિંગ્ટન ઑવલ મેદાન પર કુલ 15 વન ડે મેચો રમી છે જેમાથી 5માં ભારતને જીત અને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
કેનિંગ્ટન ઑવલ સ્ટેડિયમ 1845નાં રોજ બન્યું હતુ
ઑસ્ટ્રેલિયાએ 1975થી 2018 સુધી કેનિંગ્ટન ઑવલ મેદાન પર 15 વન ડે મેચો રમી છે જેમાંથી 8 મેચોમાં તેને જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. કેનિંગ્ટન ઑવલમાં પહેલી વન ડે મેચ 7 ડીસેમ્બર 1973નાં રોજ ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે રમાઈ હતી. કેનિંગ્ટન ઑવલ સ્ટેડિયમનો ઇતિહાસ ઘણો જુનો છે. કેનિંગ્ટન ઑવલ સ્ટેડિયમ 1845નાં રોજ બન્યું હતુ. આ મેદાનની પ્રેક્ષકોની ક્ષમતા 23500 છે. ન્યૂઝીલેન્ડે આ મેદાન પર સૌથી મોટો સ્કોર 5 વિકેટે 398 રન બનાવ્યો છે. 12 જૂન 2015નાં રોજ ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે આ કારનામું કર્યું હતુ.

