ઇંગ્લેન્ડે પોતાનો હાઈએસ્ટ સ્કોર રજીસ્ટર કર્યો, બાંગ્લાદેશને 12 વર્ષ પછી હરાવ્યું; 106 રને જીત મેળવી

ખેલ-જગત મુખ્ય સમાચાર

વર્લ્ડકપની 12મી મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રને હરાવ્યું હતું. 387 રનનો પીછો કરતાં બાંગ્લાદેશની ટીમ 280 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેમના માટે ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સદી ફટકારતાં 119 બોલમાં 12 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 121 રન કર્યા હતા. તે ઉપરાંત મુશફિકર રહીમે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. જોકે અન્ય કોઈ બેટ્સમેન તરફથી સહાય ન મળતા બાંગ્લા મેચ હાર્યું હતું. ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચર અને બેન સ્ટોક્સે 3 વિકેટ, જયારે માર્ક વુડે 2 વિકેટ લીધી હતી.

મુશફિકર રહીમ પ્લન્કેટની બોલિંગમાં પોઇન્ટ પર જેસન રોયના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 44 રન કર્યા હતા. તો ઓપનર તમીમ ઇકબાલ 19 રને માર્ક વુડની બોલિંગમાં પુલ શોટ રમવા જતાં કવર્સ પર ઓઇન મોર્ગનના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા સૌમ્ય સરકાર 2 રને જોફરા આર્ચરે 143ની ઝડપે નાખેલા બોલમાં બોલ્ડ થયો હતો.

ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 386 રન કર્યા

ઇંગ્લેન્ડે બાંગ્લાદેશ સામે કાર્ડિફના સોફિયા ગાર્ડન ખાતે વર્લ્ડકપની 12મી મેચમાં 50 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 386 રન કર્યા છે. ઇંગ્લેન્ડ માટે ઓપનર જેસન રોયે નાયકની ભૂમિકા ભજવતા 121 બોલમાં 14 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 153 રન કર્યા હતા. તેના સાથી ઓપનર જોની બેરસ્ટો 51 રન કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 19.1 ઓવરમાં 128 રનનું યોગદાન આપ્યું હતું. તે સિવાય જોસ બટલરે 44 બોલમાં આક્રમક 64 રન ફટકાર્યા હતા. લિયમ પ્લન્કેટ અને ક્રિસ વોકસે 7મી વિકેટ માટે 17 બોલમાં 45 રન કર્યા હતા. બાંગ્લાદેશ માટે મોહમ્મદ સૈફુદીન અને મહેંદી હસને 2-2 વિકેટ ઝડપી હતી.