માલદીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ સન્માન ‘રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન’થી સન્માનિત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ્સની શરુઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પહેલી વિદેશ યાત્રા કરતા માલદીવ પહોંચ્યા છે. કેરળમાં આયોજીત કાર્યક્રમને સંબોધન કર્યા પછી તેઓ માલદીવ માટે નીકળ્યા હતા. તેમની આ યાત્રા ભારતની ‘પડોસી પહેલા’ની નીતિને આપવામાં આવતુ મહત્વ દર્શાવે છે.

જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચે એ પહેલા માલદીવ સરકારે રાષ્ટ્રના ખાસ સર્વોચ્ચ સન્માન ‘રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન’થી નવાજવાની જાહેરાત કરી હતી. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે,‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’ આટલું જ નહી તેમણે પીએમ મોદીના આગમન પહેલા ટ્વીટર પર ‘નમસ્કાર, સ્વાગતમ’ પણ લખ્યું હતું.

માલદીવના એરપોર્ટ પર પહોંચતા જ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યાત્રાનો મુખ્ય હેતુ હિન્દ મહાસાગર દ્રીપસમૂહ સાથે સંબંધો વધારે મજબૂત કરવાનો છે.