પ્રખ્યાત કન્નડ સાહિત્યકાર, નાટ્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે સોમવારે બેંગાલુરુમાં નિધન થયુ. તેમના નિધનનું કારણ મલ્ટીપલ ઑર્ગેનનું ફેલ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. ગિરીશ કર્નાડને 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગિરીશ કર્નાડ એવા અભિનેતા છે જેમણે કોમર્શિયલ સિનેમાની સાથે સમાંતર સિનેમા માટે ખૂબ કામ કર્યુ. ગિરીશ કર્નાડ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. 1960ના દાયકામાં નાટકોના લેખનથી કર્નાડને લોકો ઓળખવા લાગ્યા. કન્નડ નાટક લેખનમાં ગિરીશ કર્નાડની તે ભૂમિકા છે જે બંગાળીમાં બાદલ સરકાર, મરાઠીમાં વિજય તેંડુલકર અને હિન્દીમાં મોહન રાકેશ જેવા દિગ્ગજ નાટ્યકારોની હતી. લગભગ ચાર દાયકાથી વધારે સમય સુધી કર્નાડે નાટકો માટે ખૂબ કામ કર્યુ. કર્નાડે અંગ્રેજીના પણ કેટલાક પ્રતિષ્ઠિત નાટકોનો અનુવાદ કર્યો. કર્નાડના નાટક કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થયા છે. કર્નાડે હિંદી અને કન્નડ સિનેમામાં અભિનેતા, નિર્દેશક અને સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યુ. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણનું સન્માન મળ્યુ છે. કર્નાડને ચાર ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યા છે.

