ગુજરાત પર હાલ ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં રહેલું આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ગુરુવારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને કચ્છ જિલ્લામાંથી પસાર થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આ વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિ કલાક 140થી 150 કિલોમિટર સુધીની રહે તેવી સંભાવના છે. અરબ સાગરમાં વેરાવળથી આશરે 320 કિલોમિટર દૂર રહેલું વાવાઝોડું 13 જૂન ગુરુવારે ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે. ચક્રવાતમાંથી અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાયા બાદ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને નુકસાન પહોંચાડે તેવી સંભાવનાઓને જોતાં રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.
ભારતના હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને મહુવાના દરિયાકિનારા તથા દીવ અને વેરાવળ પાસેના દરિયાકિનારે ત્રાટકશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડું અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. જેથી ગુરુવારે જ્યારે તે ગુજરાત પર આવશે ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 140થી 150 જેટલી હોવાની સંભાવના છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે પવનની ઝડપ વધીને પ્રતિ કલાક 165 કિલોમિટર પણ થઈ શકે છે.

