કારતકમાં ‘ક્યાર’ના કારણે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાનની ભીતી

ગુજરાત

ક્યાર વાવાઝોડાની અસરે સૌરાષ્ટ્રમાં અનેક પંથકોમાં માવઠું થયું છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો હતો. જેતપુરમાં 37 મિલીમીટર, પડધરીમાં 10 મિલીમીટર અને જામકંડોરણામાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જામકંડોરણામા આઠ મિલીમીટર વરસાદ પડયો હતો. આ વરસાદથી કપાસ તથા મગફળીના પાકને નુકસાન થવાની ભીતી છે. જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. મોરણા, તારાણા અને મેઘપર ગામે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ બાજુ બોટાદ જિલ્લામાં પણ જોવા મળી હતી. રાણપુર તેમજ નાગનેશ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે કમોસામી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગોંડલના દેવચડી, શિવરાજગઢમાં પણ માવઠું થયું છે.. હવામાન વિભાગની આગાહીને લઈને ગોંડલના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આણંદ જીલ્લામા રાત્રે 8 થી ૩ સુધીમાં વરસાદ વરસ્યો હતો. આણંદ તાલુકમાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. તો પેટલાદ, બોરસદ, સોજીત્રા અને આકલાવમાં 1 ઈંચ, ઉમરેઠ અને ખંભાતમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો. વિદ્યાનગર, કરમસદ, મોગરી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. જેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે વરસાદ થતાં ખેતીના પાકોને નુકશાનની ભીતીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

બહુચરાજી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. બહુચરાજીમાં ગત રાત્રી દરમિયાન 22 મિમી વરસાદ ખાબક્યો છે. જેના લીધે કઠોળ પાકમાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે

સાણંદ તાલુકાના મટોડા સહિત સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક વરસાદ પડવાથી ખેડૂતોએ ડાંગરની કાપણી કરેલાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. જેના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

રાજ્યના અનેક જિલ્લામાં ગત રાત્રીએ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. જેમાં જેતપુરમાં 37 એમએમ જામકંડોરણામાં 8 એમએમ તો ધોરાજીમાં 4 એમએમ પડધરીમાં 26 એમએમ અને રાજકોટ શહેરમાં 1 એમએમ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જગતના તાતની 4 મહિનાની મહેતન પર એક જ દિવસમાં પાણી ફરી વળ્યું છે. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. મગફળી સને કપાસનો તૈયાર પાક પલળી રહ્યો છે.

સાબરકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો. ગત રાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ પવન સાથે વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન થયું છે. કપાસ, મગફળી ડાંગર સહિત અનેક પાકોમાં નુકશાન મોટાપાયે નુકસાન થયું છે. ખેતરોમાં ઉભો ડાંગરનો પાક ભારે પવન અને વરસાદના લીધે નમી પડ્યો છે. તેમજ વરસાદમાં કપાસ પણ પલડી ગયો છે. જેના લીધે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે.

જામનગરમાં વરસાદી માહોલ છે. જોકે આજે સવારથી વરસાદે વિરામ લીધો છે. જામનગરમાં ચોવીસ કલાકમાં ચાર તાલુકાઓમાં વરસાદ થયો. લાલપુરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો. જામજોધપુરમાં પોણો ઈંચ, જ્યારે જોડિયા અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ થયો. તો જામનગર શહેરમાં પણ અડધો ઈંચ વરસાદ થયો.