વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે. ત્યારે વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક પછી વાયુ વાવાઝોડું ફરી કચ્છના સમુદ્ર કિનારે પહોંચશે.
આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકી શકે છે. જો કે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય. વાવાઝોડુ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્ચિમ તરફ 210 કિલોમીટર દૂર છે.
વહામાન વિભાગે જણાવ્યું છે કે, વાયુ સાઈક્લોનની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે, પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત સરકારને આ સાઈક્લોનિક સ્ટોર્મના પાછા ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ તમામ સંભવિત પગલાં લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સાઈક્લોન વાયુ ગત ગુરુવારે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકવાનું હતું. અલબત્ત, બુધવારે રાત્રે મધદરિયે તેની ધરી બદલાતાં ગુરુવાર સુધીમાં તો તે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. તે ગુજરાતના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર પાસે થઈને પસાર થઈ ગયું હતું અને દરિયા તરફ આગળ વધ્યું હતું.

