નેપાળની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચાઈનિઝ (મેંડરિન) ભાષઆ શીખવી ફરજિયાત બનાવવામાં આવી છે. સૂત્રોના અહેવાલ મુજબ આ નિર્ણય ચીન સરકારને એ પ્રસ્તાવ બાદ લેવામાં આવ્યો, જેમાં મેંડરિનના શિક્ષકોનો પગાર કાઠમંડુ સ્થિત ચીનના દૂતાવાસ દ્વારા કરવાની વાત જણાવવામાં આવી હતી. નેપાળ સરકારે જણાવ્યું કે શાળાઓ પાસે કોઈ વિષયને ફરજિયાત કરવાનો અધિકાર નથી.
નેપાળની 10 મોટી શાળાઓના આચાર્યો અને સ્ટાફે જણાવ્યા મુજબ ચીનની ભાષા (મેંડરિન) પહેલેથી જ વિષય તરીકે પાઠ્યક્રમમાં સામેલ હતી. આ વિષયના શિક્ષકોનો પગાર કાઠમંડુમાં આવેલા ચીનના દૂતાવાસ દ્વારા કરવામાં આવતી હતી.
એલઆરઆઈ સ્કૂલના સ્થાપક શિવરાજ પંતે જણાવ્યું કે, ‘પોખરા, ધુલીલેખ અને દેશના કેટલાક ભાગોમાં રહેલી ખાનગી શાળાઓમાં પણ મેંડરિન ભાષા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવવામાં આવી છે.’ યુનાઈટેડ સ્કૂલના આચાર્ય કુલદીપ એનએ જણાવ્યા મુજબ અમે બે વર્ષ પહેલા જ મેંડરિનને ફરજિયાત વિષય તરીકે લાગુ કર્યો છે. ચીનના દૂતાવાસે અમને આના માટે મફતમાં શિક્ષણ પુરું પાડવા જણાવ્યું હતું.
નેપાળમાં શાળાઓ માટેના પાઠ્યક્રમ નક્કી કરવાની જવાબદારી સરકારના પાઠ્સપુસ્તક વિકાસ કેન્દ્ર પાસે છે. જે શાળા મેંડરિન ભણાવે છે, તેમને તેની જાણ પણ છે. પરંતુ મેંડરિનને એટલા માટે ફરજિયાત વિષય તરીકે સામેલ કરાયો કારણ કે તેના શિક્ષકો મફતમાં મળે છે.
સરકારી પાઠ્યપુસ્તક વિભાગના માહિતી અધિકારી ગણેશ પ્રસાદ ભટ્ટારીએ જણાવ્યું કે, ‘શાળાને વિદેશી ભાષા ભણાવવાની મંજૂરી છે. પરંતુ તેઓ કોઈ વિષયને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ના કરી શકે. જો કોઈ વિષય ફરજિયાત કરવાનો હોય તો તેનો નિર્ણય સરકાર કરી શકે છે તેનો અધિકાર શાળા પાસે નથી.’

