૨૦૧૦ અને ૨૦૧૭ દરમિયાનના સાત વર્ષો દરમિયાન અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તીમાં ૩૮ ટકા વધારો થયો છે તેમ સાઉથ એશિયન એડવોક્સી ગુ્રપે એક નિવેદનમાં જણાવ્યું છે.
સાઉથ એશિયન અમેરિકન લિડિંગ ટુગેધર(સાલ્ટ) એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૧૭માં અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪૪,૦૨,૩૬૩ હતી. જે ૨૦૧૦માં ૩૧,૮૩,૦૬૩ હતી. એટલે કે સાત વર્ષોમાં અમેરિકામાં ભારતીયોની વસ્તીમાં ૩૮ ટકાનો વધારો થયો છે.
વિઝાની મુદ્દત કરતા વધારે સમય સુધી અમેરિકામાં રોકાનારાઓને કારણે ગેરકાયદે ભારતીય અમેરિકનોની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૬માં ૨,૫૦,૦૦૦ ભારતીયો વિઝાની મુદ્દતથી વધુ સમય માટે અમેરિકામાં રોકાયા હતાં.
સાત વર્ષો દરમિયાન દક્ષિણ એશિયન મૂળના અમેરિકનોની વસ્તીમાં ૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમની વસ્તી ૩૫ લાખથી વધીને ૫૪ લાખ થઇ છે.
૨૦૧૦થી અમેરિકામાં નેપાળના લોકોની વસ્તીમાં ૨૦૬.૬ ટકાનો વધારો થયો છે. ભારતીયોની વસ્તીમાં ૩૮ ટકા, ભુતાનના લોકોની વસ્તીમાં ૩૮ ટકા, પાકિસ્તાનીઓની વસ્તીમાં ૩૩ ટકા, બાંગ્લાદેશીઓની વસ્તીમાં ૨૬ ટકા અને શ્રીલંકનોની વસ્તીમાં ૧૫ ટકાનો વધારો થયો છે.

