લોકસભાના 17મા સત્રનો ગઈકાલે પ્રારંભ થઈ ચુક્યો છે. લોકસભાના સત્રના પહેલા દિવસે પીએમ મોદી સહીત તમામ સંસદ સભ્યોએ લોકસભાના સભ્યપદના શપથ લીધા હતા.જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થતો હતો. ચોથી વખત લોકસભાના સભ્ય બનેલા રાહુલ ગાંધીએ જોકે શપથ લીધા બાદ છબરડો વાળ્યો હતો.
રાહુલ ગાંધીએ શપથ તો લીધા હતા પણ એ પછી સંસદ ભવનના રજિસ્ટરમાં સહી કરવાનુ ભુલી ગયા હતા. તેઓ શપથ લીધા બાદ પોતાની સીટ પર જવા માટે ચાલવા માંડ્યા હતા ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને બીજા કેટલાક સાસંદોએ તેમને ઈશારો કરીને સહી કરવાની બાકી છે તેમ યાદ અપાવ્યુ હતુ. એ પછી રાહુલ ગાંધી પાછા આવ્યા હતા અને સહી કરી હતી.
રાહુલ ગાંધી અમેઠીમાંથી આ વખતે ચૂંટણી હારી ગયા છે અને તેઓ હવે લોકસભામાં કેરાલાના વાયનાડ મત વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધા હતા. બપોરે લંચ ટાઈમ બાદ તેઓ સંસદમાં આવ્યા હતા. શપથ લેતા પહેલા તેમણે કહ્યુ હતુ કે, હું વાયનાડના સંસદ સભ્ય તરીકે શપથ લઈને નવી ઈનિંગની શરૂઆત કરીશ.

