નાણાં મંત્રાલયમાં ‘હલવા રસ્મ’ સાથે બજેટ ડોક્યૂમેન્ટનું છાપકામ શરૂ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

મોદી સરકાર 2.0ની બીજી ટર્મના પહેલા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. નાણાં મંત્રાલયે શનિવારે પરંપરાગત હલવા રસ્મ સાથે નાણાંકિય વર્ષ 2019-20ના બજેટના દસ્તાવેજોના પ્રકાશનની શરૂઆત કરી દીધી છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણાંમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં નોર્થ બ્લોકમાં હલવા રસ્મનું આયોજન કરવામાં આવ્યું.

સામાન્ય ચૂંટણી બાદ સંસદનું પહેલું સત્ર 17 જુનથી શરૂ થયું, જેમાં પાંચ જુલાઇએ 2019-20ના રોજ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. ગત ટર્મમાં સરકારે સામાન્ય ચૂંટણી પહેલાં ફેબ્રુઆરીમાં વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

નોંધનીય છે કે, બજેટની ગુપ્તતા જાળવવા માટે બજેટ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓને બજેટ રજૂ થવા સુધી નાણાં મંત્રાલયના નોર્થ બ્લોક ઓફિસમાં જ રહેવાનું હોય છે. બજેટ બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેમને તેમના પરિવારજનો સાથે વાતચીત કરવાની કે મળવાની પણ મંજુરી આપવામાં આવતી નથી. જ્યારે બજેટના દસ્તાવેજો છાપવાનું કામ પણ નોર્થ બ્લોકમાં બનેલા છાપખાનામાં જ કરવામાં આવે છે.