બ્રિટનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદીના રિમાન્ડ ૨૫ જુલાઇ સુધી વધારી દીધા છે.
ભારતે દાખલ કરેલા પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ૪૮ વર્ષીય નિરવ મોદીની માર્ચમાં ધરપકડ થયા પછી તે દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અગાઉ ૧૨ જૂને બ્રિટનની હાઇકોર્ટે મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન મેળવવા માટે નિરવ મોદીની આ ચોથી અરજી હતી.
આજે નિરવ મોદી જેલમાંથી વીડિયો લિંક દ્વારા લંડનની વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. સ્કોટલેન્ડ યાર્ડ અધિકારીઓએ ૧૯ માર્ચે નિરવ મોદીની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તે જેલમાં જ બંધ છે. બ્રિટનની કોર્ટે ચાર વખત તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.

