જાપાનમાં યોજાયેલી જી-20 પરિષદમાં વેપાર મામલે અમેરિકાને ભારત, ચીન અને જાપાને બરાબર ઘેર્યુ હતુ. અમેરિકા ફર્સ્ટની પોલિસી હેઠળ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે, વેપાર મારી પહેલી પ્રાથમિકતા છે. બીજી તરફ અમેરિકાને જવાબ આપતા ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે કહ્યુ હતુ કે, વિકસીત દેશો સંરક્ષણવાદની જે નીતિ અપનાવી રહ્યા છે તે તમામને નુકસાનકર્તા છે. તેનાથી વેપારના વૈશ્વિક માળખાને નુકસાન થઈ રહ્યુ છે. આખી દુનિયાની શાંતિ અને સ્થિરતા સંકટમાં છે. બીજી તરફ ભારત અને જાપાને પણ અમેરિકાની નીતિનો વિરોધ કરીને બહુપક્ષીય વ્યાપારિક નિયમોનો બચાવ કર્યો હતો. જી 20 સમિટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે, અમે ભારત સાથે મોટી ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છીએ. જેમાં બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ સામેલ છે.
