સાઉદી એરેબિયાએ ભારતના હજના ક્વોટામાં 30 હજારનો વધારો કર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

એક ખૂબ જ મહત્ત્વના પગલાં તરીકે સાઉદી એરેબિયાએ ભારતના હજના ક્વોટામાં ૩૦ હજારનો વધારો કર્યો હતો. પરિમામે ૧.૭૦ લાખને બદલે હવે બે લાખ ભારતીયો હજ પઢવા જઇ શકશે.

હાલમાં જી-૨૦ની બેઠકમાં ભાગ લેવા આવેલા સાઉદી એરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વડા પ્રધાન મોદીએ આ મુદ્દે ચર્ચા કરી હતી.જી-૨૦ની બેઠકમાં હાજરી આપવા આવેલા મોદીએ અમૂલ્ય વ્યુહાત્મક ભાગીદાર સાથે વેપાર અને રોકાણ, ઊર્જી સુરક્ષા અને આતંકવાદ વિરોધી મુદ્દે સહકાર વધારવા મુદ્દે ચર્ચા કરી હતી.

બેઠક પછી પત્રકાર પરિષદને સંબોધતાં વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે ક્રાઉન પ્રિન્સે વડા પ્રધાન મોદીને વચન આપ્યું હતું કે ભારતના હજ ક્વોટાને ૧.૭૦ લાખથી વધારી બે લાખ કરાશે. ‘આ એક મહત્ત્વનું પગલું છે અને તેને અમલમાં મૂકાયુ છે’એમ તેમણે કહ્યું હતું. હવે ભારતમાંથી દર વર્ષે બે લાખ લોકો હજ પઢવા જઇ શકશે જેનો અમલ ટુંક સમયમાં થઇ જશે, એમ તેમણે ઉમેર્યું હતું. બંને નેતાઓએ વધુ પ્રવાસન અને વધુ ફલાઇટ અંગે ચર્ચા કરી ફરી વખત મળવા નક્કી કર્યું હતું.

ક્રાઉન પ્રિન્સે મોદીને ચાલુ વર્ષની શરૂઆતમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં મુખ્ય અતિથીઓ પૈકીના એક બનવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. મોદીએ ખૂબ આનંદ સાથે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. ગયા વર્ષે મહિલાઓને મહેરમ (પુરૂષ સાથી)વગર પણ જવાની મંજૂરી આપતા ૧૩૦૦ મહિલાઓ હજ પઢવા ગઇ હતી.તેમને લોટરી સીસ્ટમમાંથી બાકાત રખાયા હતા.