અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી ટ્રેડ વોર ચાલી રહી છે. જેની અસર સમગ્ર વિશ્વના અંર્થતંત્ર પર પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે જી-૨૦ સમિટમાં અમેરિકા અને ચીન પણ જોડાયું હતું. એવા અહેવાલો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે જે બેઠક યોજાઇ હતી તેમાં આ ટ્રેડ વોરનો અંત લાવવા માટે બન્ને દેશના વડાઓ સહમત થયા છે.
અત્યાર સુધી બન્ને દેશના વડાઓ વચ્ચે જે પણ બેઠક યોજાઇ તેમાં આ બેઠક અતી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જે સહમતી થઇ છે તેમાં બન્ને દેશો હવે આર્થીક ફટકાને પગલે ટ્રેડ વોરનો અંત લાવવા સહમત થયા છે. જોકે આ ચર્ચા હકીકતમાં ક્યારે પરીણમશે તેના પર સૌની નજર છે કેમ કે અગાઉની બેઠકોમાં આવી ચર્ચાઓ થઇ પણ નિષ્ફળ નીવડી હતી.
ચીનના અખબાર ચાઇના ડેલીમાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જિનપિંગ સાથેની બેઠકમાં ટ્રમ્પે ખાતરી આપી છે કે અમેરિકા હવે ચીનની વધુ કોઇ વસ્તુઓ પર આયાત ડયુટી નહીં વધારે. જોકે અગાઉ જે આયાત ડયુટીમાં ધરખમ વધારો ઝીંક્યો છે તેને પરત લેવાની ટ્રમ્પે જિનપિંગને કોઇ ખાતરી ન આપી હોવાના પણ અહેવાલો છે. જોકે તેમ છતા હવે જો કોઇ વધારાની આયાત ડયુટી ન નખાય તો પણ ચીનને મોટી રાહત મળી શકે છે. કેમ કે અમેરિકા ચીન માટે એક મોટુ માર્કેટ પણ છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ નરમ વલણ અપનાવ્યું હતું, તેમણે કહ્યુ હતું કે એકબીજાનો સહકાર એ તકરાર કરતા વધુ મહત્વપૂર્ણ છે કેમ કે સહકારથી બન્ને દેશોને ફાયદો થાય છે જ્યારે તકરારથી નુકસાન. જિનપિંગે દાવો કર્યો હતો કે ચીન અને અમેરિકા વચ્ચેના વિવાદોનો અંત લાવવા માટે ટ્રમ્પ સાથે હું ફોન પર સતત વાતચીત કરતો રહ્યો છું.
અમારો બન્નેનો હેતુ દેશોના સંબંધોને વધુ મજબુત અને સારા બનાવવાનો છે. એવા અહેવાલો છે કે ટ્રેડ વોરનો અંત લાવવા માટે બન્ને દેશોની ટીમો દ્વારા સતત ૧૧ જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ બેઠકોમાં જે પણ વિવાદો બન્ને દેશો વચ્ચે વ્યાપારને લઇને ચાલી રહ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે ચર્ચા થઇ હતી.

