લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદના વાતાવરણમાં મોડી સાંજે અચાનક પલટો આવ્યો હતો. આજે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદનાં સિન્ધુભવન રોડ, એસજી હાઇવે ઉપર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદનાં કારણે અમદાવાદીઓમાં આનંદની હેલી આવી ગઇ છે અને લોકો વરસાદની મજા માણી રહ્યા છે. તો ત્યાં જ મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

હવામાન વિભાગે તા. 3થી5 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ છે. હાલમાં દક્ષિણ ગુજરાતના આકાશમાં સમુદ્રની સપાટીથી 2થી 3.5 કિ.મી. સુધીના વિસ્તારમાં હવાના ચક્રવાતની સ્થિતિ સર્જાયેલી છે. જયારે બંગાળની ખાડીનું લો પ્રેસર આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં પરિણમશે.

ત્રણ સિસ્ટમને કારણે આવતીકાલથી આગામી તા. ૫મી સુધી ગુજરાત રિજન (અમદાવાદથી ઉમરગામ સુધીનો વિસ્તાર)માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય પ્રદેશને અડીને આવેલા છોટા ઉદેપુર, પાવી, જેતપુર, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આ સમયમાં તોફાની વરસાદની શકયતા છે. આ વરસાદ તા. ૬ઠ્ઠી બાદ શાંત પડવાની શકયતા છે. ખાસ કરીને તા. ૩ અને ૪ ભારે વરસાદ રહેશે અને તા. ૫મીના રોજ છૂટાછવાયો વરસાદ રહેશે.

ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં પડશે. ગુજરાતમા અત્યાર સુધીનો સરેરાશ 15.13 ટકા વરસાદ નોંધાયો છે, અને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમા નોંધાયો છે.