‘ઠાકરે’ ફિલ્મ તમિળરોકર્સે લીક કરી દીધી

ફિલ્મ જગત

તમિળરોકર્સ નામની હેકિંગ વેબસાઇટે સંજય રાઉતની ઠાકરે ફિલ્મને ઓનલાઇન લીક કરી દીધી હોવાની માહિતી મળી હતી. કંગના રનૌતની મણીકર્ણિકાના પણ એજ હાલ થયા હોવાનું કહેવાય છે. અગાઉ સાઉથના મેગાસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી એસ શંકરની ફિલ્મ ૨.૦ને પણ તમિળરોકર્સે ઓનલાઇન લીક કરી દીધી હતી. સદ્ભાગ્યે શંકરને બહુ મોટું આર્થિક નુકસાન થયું નહોતું. એને સેટેલાઇટ રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સ વેચવાથી સારી એવી રકમ મળી હતી. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ ઠાકરે અને મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી બંને ફિલ્મો પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ૨૫ જાન્યુઆરીએ રજૂ થઇ હતી. આ બંને  ફિલ્મો રજૂ થયાના ગણતરીના કલાકોમાં તમિળરોકર્સે ફિલ્મને પાઇરસીથી લીક કરી દીધી હતી. જો કે ઠાકરે ફિલ્મના સર્જક સંજય રાઉતે આ ફિલ્મ હિન્દી અને મરાઠી બંને ભાષામાં બનાવી છે. તેમનો દાવો સાચો માનીએ તો ઠાકરે ફિલ્મની પાઇરસીથી ફિલ્મના નિર્માતાને કોઇ મોટું આર્થિક નુકસાન થયું નથી. ઊલટું ઓનલાઇન આ ફિલ્મ લીક થવાથી દુનિયાભરના લોકો બાળાસાહેબ ઠાકરેના વ્યક્તિત્વને નિહાળી શકશે એવું આ ફિલ્મ સર્જક કહે છે. અગાઉ તમિળરોકર્સ માત્ર દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મો લીક કરતા હતા. હવે હિન્દી અને ઇંગ્લીશ ફિલ્મો પણ લીક થવા માંડી છે.