રાજ્યસભામાં ગુજરાતની બે બેઠક માટે આજે ચૂંટણી યોજાશે. તો બીજી તરફ કોંગ્રેસના તમામ ધારાસભ્યો હજુ બાલારામ રિસોર્ટમાં જ છે અને આ તમામ ધારાસભ્યો રિસોર્ટથી સીધા સ્વર્ણિમ સંકુલ મતદાન કરવા માટે પહોંચશે. ક્રોસ વોટિંગના ડરે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બાલારામ રિસોર્ટ લઈ જવાયા હતા. જોકે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસની આ શિબિરમાં નહોતા ગયા. બાલારામમાં ગઈકાલે મોકપોલ યોજીને કોંગ્રેસના ધારાસભ્યોને પ્રેકિટકલ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ધારાસભ્યોને મતદાનની એકડા બગડાની અટપટી પ્રક્રિયા અંગે સમજણ આપવામાં આવી હતી. તો કોંગ્રેસને પણ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને બાદ કરતાં ક્રોસ વોટિંગની કોઈ ચિંતા નથી. કોંગ્રેસને આશા છે કે તેના 69 અને BTP અને અપક્ષના ધારાસભ્ય મળીને 72 મત મળશે.
