જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્રના પગલાંનો આંધળો વિરોધ કરવા નથી માગતો : કરણસિંહ

મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવા અંગે પક્ષ કરતાં અલગ વલણ અપનાવતાં કોંગ્રેસના પીઢ નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મહારાજા હરીસિંહના પુત્ર કરણસિંહે ગુરૂવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર મુદ્દે સરકારના નિર્ણયની આંખો બંધ કરીને ટીકા કરવામાં વિશ્વાસ ધરાવતા નથી. તેમણે સરકારના આ નિર્ણયના કેટલાક સકારાત્મક પાસા હોવાનું જણાવ્યું હતું. કરણસિંહે કહ્યું કે વર્ષો પહેલાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા માટે સૌથી પહેલા મેં ભલામણ કરી હતી.

કરણસિંહે કહ્યું કે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવો, કલમ 35-એ રદ કરવી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત થતાં જમ્મુ અને કાશ્મીરનું ભવિષ્યમાં સીમાંકન નક્કી કરવું વગેરે સરકારના નિર્ણયના સકારાત્મક મુદ્દાઓ છે. જોકે, તેમણે સીધા કલમ 370 પર ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું અને તેમણે જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર રાજકીય પક્ષોના નેતાઓને છોડી મૂકવા માટે સરકારને વિનંતી પણ કરી હતી. તેમણે રાજકીય પક્ષો સાથે વ્યાપક સ્તરે ચર્ચા હાથ ધરવાની પણ ભલામણ કરી હતી.

કોંગ્રેસ કારોબારીએ સરકારે જે રીતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેને બે ભાગમાં વિભાજિત કર્યું તેનો વિરોધ કર્યાના બે દિવસ પછી કરણ સિંહે સરકારના નિર્ણયની તરફેણ કરી છે. તેમણે કહ્યું કે હું અંગત રીતે આ નિર્ણયોનો આંધળો વિરોધ કરવામાં વિશ્વાસ નથી ધરાવતો.

આ નિર્ણયોના કેટલાક સકારાત્મક પરિણામ આવ્યા છે. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવું આવકારદાયક પગલું છે. ઉપરાંત કલમ 35-એમાં લિંગ મતભેદોનો ઉકેલ લાવવાની જરૂર છે. અનુસૂચિત જનજાતીઓ માટે અનામત આવકારદાયક બાબત છે. તેમણે કહ્યું જમ્મુ-કાશ્મીરના વિભાજનનો અર્થ છે ભવિષ્યમાં રાજ્યનું નવું સિમાંકન થશે, જેથી જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં રાજકીય સત્તાના સમિકરણો બદલાશે.