જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ને હટાવવાનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહ્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ આજે પક્ષના નેતાઓ સાથે બેઠક કરવા માટે શ્રીનગર પહોંચ્યા.પરંતુ તંત્રે તેમને આગળ જવા દીધા નહીં અને શ્રીનગર એરપોર્ટ પર જ અટકાવી દીધા. આઝાદને વિસ્તારાની આગામી ફ્લાઈટથી પાછા દિલ્હી મોકલી દેવામાં આવ્યા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરીને ભાજપ નેતૃત્વની મોદી સરકારે રાજ્યની નિર્દયતાથી હત્યા કરી છે.
ગુલામ નબી આઝાદ બપોરે 3.30 વાગ્યાની ફ્લાઈટથી દિલ્હી મોકલાયા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહેમદ મીર પણ ગુરૂવારે સવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં ગુલામ નબી આઝાદ સ્થાનિક કોંગ્રેસ નેતાઓ સાથે કાશ્મીરની સ્થિતિ પર બેઠક કરવાના હતા. ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં પણ મોદી સરકારનો જોરદાર વિરોધ કર્યો હતોઅને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. તેમણે ગુરૂવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોને કર્ફ્યૂમાં રાખીને આવો નિર્ણય લેવાયો છે, જે શરમજનક છે.
તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાના તેના નિર્ણયનો અમલ બળજબરીથી, સમગ્ર પ્રદેશને કર્ફ્યૂ હેઠળ બંધ કરીને અને કોઈને પણ ઘરમાંથી બહાર નીકળવા નહીં દઈને કરવા માગે છે. મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરના રાજ્યની નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ છે.રાજ્ય દ્વારા અગાઉના બધા જ કાયદા રદ કરાયા છે, કલમ 370 અને કમલ 35-એ પણ રદ કરી દેવાઈ છે. વિશ્વમાં સૌથી વિખ્યાત રાજ્યોમાંના એકને બે ભાગમાં વિભાજિત કરી દેવાયું છે. અમને વિખંડિત કરી દેવાયા છે. અમે અમારી ઓળખ ગુમાવી દીધી છે. અમે બધું જ ગુમાવી દીધું છે તેમ તેમણે દિલ્હી પાછા ફર્યા પછી જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવાલની કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સ્થાનિકો સાથે ભોજન કરતાં ચર્ચા કરતા હોય તેવા ફોટો અને વીડિયો સામે સવાલ ઉઠાવતાં કોંગ્રેસ નેતાએ ગુરૂવારે જણાવ્યું હતું કે કોઈને પણ થોડાક રૂપિયા આપીને તમારી સાથે ઊભા કરી શકાય છે.એનએસએ અજિત દોવાલે બુધવારે આતંકવાદગ્રસ્ત દક્ષિણ કાશ્મીરની ઉડતી મુલાકાત લીધી હતી. બંધ દૂકાનોની બહાર ફૂટપાથ પર કેટલાક લોકો સાથે તેમણે ભોજન કરતાં વર્તમા સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
એનએસએ અજિત દોવાલની કાશ્મીર મુલાકાત પર અયોગ્ય ટીપ્પણી કરનાર ગુલામ નબી આઝાદ પર વળતો હુમલો કરતાં ભાજપે માફી માગવાની માગણી કરતાં કહ્યું કે આઝાદની આ ભાષાનો ઉપયોગ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર કરી શકે છે.ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે ગુલામ નબી આઝાદની ટીપ્પણી કમનસીબ છે. આવા આરોપો પાકિસ્તાનના લોકો તરફથી થઈ શકે છે. કોંગ્રેસ જેવા મોટા પક્ષના વરિષ્ઠ નેતા પાસેથી આવી ટીપ્પણીની આશા નહોતી.

