મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિન સાંડેસરા જે વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયા છે તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રદ કરી દેવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડે નીતિન સાંડેસરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકને ડિસેમ્બર-2008માં દહેજ બંદરને ઓલ વેધર ડાયરેકટ બર્થિંગ પોર્ટ તરીકે વિકસાવવા માટે ચાર વર્ષની સમયમર્યાદા સાથે ઇરાદાપત્ર જાન્યુઆરી-ર૦૦૯માં આપ્યો હતો. તેની સાથે મેરીટાઇમ બોર્ડે દહેજ ખાતે 84.95 હેકટર સરકારી જમીન ભાડાપટ્ટે જુન-2010માં ફાળવી આ જમીન સમતલ કરવા અને ફેન્સિંગ કરવા મંજુરી આપી હતી અને પોર્ટના બાંધકામ માટે માર્ચ-2011માં બોર્ડે મંજુરી આપી હતી.
સ્ટર્લિંગ બાયોટેક લિ. અને તેના કોન્સોર્ટિયમના સાથી સભ્યો દ્વારા દહેજ બંદરના વિકાસ માટે નવી કંપની સ્ટર્લિંગ પોર્ટ લિ.ની રચના કરવામાં આવી હતી. આ નવી કંપની અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ વચ્ચે જુન-2014માં કન્સેશન એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.
એગ્રીમેન્ટ અનુસાર પ્રથમ તબક્કા માટે કંપની આશરે રૂ. 2500 કરોડનું રોકાણ કરી દહેજ બંદરનો વિકાસ હાથ ધરશે અને તે માટે કુલ પ્રોજેકટ કિંમતના દોઢ ટકા લેખે બાંધકામની અને રૂ. 5.00 કરોડ પરફોર્મન્સ ગેરંટી ગુજરાત મેરીટાઇમ બોર્ડને આપશે તેવો કરાર થયો હતો.
પરંતુ ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એગ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી અને મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂ. 37.50 કરોડની બેંક ગેરંટી તેમજ 84.95 હેકટર જમીનનું નિયત ભાડું ચૂકવી આપવામાં પણ સ્ટર્લિંગ પોર્ટ લિ. નિષ્ફળ પુરવાર થઇ હતી.
સ્ટર્લિંગ પોર્ટ લિ. તેમજ નાણાં રોકનાર સંસ્થાઓને છ માસનો સમય આપવા છતાં વહીવટી તંત્ર અને પ્રસ્થાપિત વ્યવસ્થાના નીતિ નિયમોનો અનાદર કરનારાઓ સામે સખ્તાઇથી પગલાં લેવા અપનાવેલા અભિગમના ભાગરૂપે ગુજરાત મેરીટાઇમ બોર્ડની તાકીદે બોલાવાયેલી બોર્ડની બેઠકમાં રચાયેલી સમિતિએ આંધ્ર બેંકને પરવાનાધારક તરીકે નિયુકત કરવાની તથા સ્ટર્લિંગ પોર્ટ લિ. અને ગુજરાત સરકાર તથા મેરીટાઇમ બોર્ડ વચ્ચે થયેલા કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા તેમજ તમામ ગેરંટીની રકમો જપ્ત કરવા કરેલી ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે.

