પાકિસ્તાનના સૌથી વધારે વજન ધરાવતા વ્યક્તિનું હોસ્પિટલમાં યોગ્ય દરકારના અભાવે નિધન થયું છે. લાહોરથી આશરે ૪૦૦ કિમી દૂર આવેલા સાદિકાબાદના રહેવાસી ૫૫ વર્ષીય નૂરૂલ હસન ૩૩૦ કિગ્રાથી પણ વધારે વજન ધરાવતા હતા અને તાજેતરમાં જ લિપોસક્શનની સફળ સર્જરીમાંથી પસાર થયા હતા.
શાલમાર હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં મહિલા દર્દીના નિધન બાદ તેના પરિવારજનો દ્વારા અરાજકતા ફેલાવવામાં આવી હતી જેથી નૂરૂલ હસનની યોગ્ય સંભાળ રાખવામાં અડચણ આવી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા. મૃતક મહિલાના પરિવારજનો દ્વારા હિંસા આદરવામાં આવતા હોસ્પિટલનો સ્ટાફ પોતાનો જીવ બચાવવાની પેરવીમાં લાગ્યો હતો અને ત્યાંથી નાસી છુટયો હતો જેથી નૂરૂલ હસન અને તેની પાસેના બેડ પર રહેલા અન્ય એક વ્યક્તિનું નિધન થયું હતું.
જાણવા મળ્યા મુજબ મૃતક મહિલાના પરિવારજનોએ વેન્ટિલેટરની સ્વિચ બંધ કરી દીધી હતી, હોસ્પિટલના બારી-બારણા તોડી નાખ્યા હતા અને ડોક્ટર્સ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન એક કલાક સુધી નૂરૂલ હસનની સંભાળ નહોતી લઈ શકાઈ જેથી તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના નિર્દેશ પર નૂરૂલ હસનને સારવાર માટે આર્મીના હેલિકોપ્ટરની મદદથી લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમને ઘરમાંથી બહાર કાઢતી વખતે ઘરની દીવાલ તોડવી પડી હતી અને તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાના સમગ્ર ઓપરેશનને ‘રેસ્ક્યુ ૧૧૨૨’ નામ આપવામાં આવ્યું હતું. ૨૦૧૭માં પાકિસ્તાનની ૩૬૦ કિગ્રા વજન ધરાવતી સૌથી મેદસ્વી વ્યક્તિને લેપ્રોસ્કોપીક સર્જરી બાદ ૨૦૦ કિગ્રાથી ઓછા વજને પહોંચાડવામાં આવી હતી.

