ગાંધીનગર- અમદાવાદ બન્યાં ‘હિલ સ્ટેશન’

ગુજરાત

અમદાવાદ ‘હિલ સ્ટેશન’માં ફેરવાઇ ગયું હોય તેવી કડકડતી ઠંડી જારી રહી છે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે ૯.૮ જ્યારે શનિવારે રાત્રે ૯.૧ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને ૨૪.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ૩ દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. અમદાવાદમાં શનિવારે રાત્રે ૯.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૮ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૨૪.૧ ડિગ્રી સાથે સરરેશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૫.૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાાદમાં ૧૦ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો રહેશે. હાલ અમદાવાદમાં ફક્ત રાત્રે જ નહીં દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાય છે. બીજી તરફ સતત શુક્રવાર-શનિવાર એમ  બે દિવસ ૭ ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. શનિવારે રાત્રે નલિયા, અમદાવાદ ઉપરાંત ડીસા (૭.૨), ગાંધીનગર (૯.૫), આણંદ (૯.૫), વલસાડ (૯.૬), રાજકોટ (૯.૨)માં પણ ૧૦ ડિગ્રીથી ઓછું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ઉત્તરપૂર્વની દિશાના પવનને પગલે ઠંડીમાં વધારો નોંધાયો છે. હજુ આગામી બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે. જોકે, આ પછી ઠંડીમાં તબક્કાવાર ઘટાડો થતો જશે. ‘ ગુજરાતની પડોશમાં આવેલા હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીમાં વધારો થતાં ગત રાત્રિએ ૦ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.