એક જ દિવસમાં સ્વાઇન ફ્લુનાં 80 કેસ : કુલ મૃત્યુઆંક 51ને પાર

ગુજરાત

અમદાવાદ સહિત  ગુજરાતભરમાં સ્વાઇન ફ્લુનો કેર જાણે ઓછો થવાનું નામ જ લઇ રહ્યો નથી. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના વધુ ૮૦ કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી અત્યારસુધી ૧૧૧૭ વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ચૂકી છે. આ ૧૧૧૭માંથી ૫૪૧ કેસ છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાયા છે. આજે સ્વાઇન ફ્લુને લીધે ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સ્વાઇન ફ્લુનો સૌથી વધુ કેર અમદાવાદ શહેરમાં છે. આજે અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લુના ૨૬ કેસ નોંધાયા હતા. છેલ્લા ૩ દિવસમાં જ અમદાવાદમાંથી ૭૦થી વધુ વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ચૂકી છે. આ સિવાય આજે વડોદરા શહેરમાંથી ૧૫, સુરત શહેરમાંથી ૬, બનાસકાંઠામાંથી ૫, ભાવનગર શહેરમાંથી ૪, રાજકોટ-ગાંધીનગર જિલ્લામાંથી ૩-૩, ભાવનગર જિલ્લા, જુનાગઢ શહેર, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ૨-૨ જ્યારે સાબરકાંઠા, અમરેલી, રાજકોટ શહેર, કચ્છ, મોરબી, ભરૃચ, જામનગર શહેર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથ ખાતે સ્વાઇન ફ્લુના ૧-૧ કેસ નોંધાયા હતા. આજે વલસાડ ખાતે ૧ વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું હતું. આમ,૧ જાન્યુઆરી ૨૦૧૯થી અત્યારસુધી ૧૧૧૭ વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ચૂકી છે. જેમાંથી ૬૫૦  વ્યક્તિએ સ્વાઇન ફ્લુને મા’ત આપી છે જ્યારે હજુ ૪૧૬ વ્યક્તિ સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન ૫૧ વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું છે. ગુજરાતમાં ૨૦૧૮ના વર્ષમાં ૫૫ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ આ વખતે વર્ષના પ્રથમ ૩૮ દિવસમાં જ ૫૧ વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું છે. શિયાળાનો વધુ એક રાઉન્ડ શરૃ થવાને પગલે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસમાં હજુ પણ વધારો થઇ શકે છે.તબીબોના મતે ઓગસ્ટથી ઓક્ટોબર અને જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન સ્વાઇન ફ્લુના સૌથી વધુ કેસ નોંધાતા હોય છે.

ગુજરાતમાં છેલ્લાં ૧૦ દિવસમાં સ્વાઇન ફ્લુના કેસ

તારીખ              કેસ    મૃત્યુ

૨૯ જાન્યુઆરી ૨૪     ૦૪

૩૦ જાન્યુઆરી ૫૯     ૦૩

૩૧ જાન્યુઆરી ૩૬     ૦૪

૧ ફેબુ્રઆરી   ૪૨     ૦૫

૨  ફેબુ્રઆરી  ૪૪     ૦૪

૩  ફેબુ્રઆરી  ૫૨     ૦૩

૪  ફેબુ્રઆરી  ૬૫     ૦૨

૫  ફેબુ્રઆરી  ૫૭     ૦૪

૬  ફેબુ્રઆરી  ૮૨     ૦૩

૭  ફેબુ્રઆરી  ૮૦     ૦૧ ૧૦ દિવસમાં કુલ      ૫૪૧   ૩૩