વન ડેમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઇસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેના મુકાબલામાં શાનદાર દેખાવ જારી રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘાતક બોલર તરીકે ઉભરી આવેલા બુમરાહે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શરૂઆતના ૧૧ બોલ નાંખ્યા, તેમાં એક પણ રન આપ્યો નહતો અને ગપ્ટિલની મહત્વની વિકેટ પણ ઝડપી હતી.
બુમરાહે ભારતીય ટીમને આક્રમક શરૂઆત અપાવતા પહેલી ઓવર મેડન નાંખી હતી. આ પછી તેની બીજી જ ઓવરના ત્રીજા જ બોલ પર ગપ્ટિલને કોહલીના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. વર્લ્ડ કપમાં સદંતર નિષ્ફળ રહેલો ગપ્ટિલ સેમિ ફાઈનલમાં માત્ર ૧ રને આઉટ થયો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડે માત્ર ૧ રનના સ્કોર પર ૧ વિકેટ ગુમાવી હતી. બુમરાહે તેની બીજી ઓવરના આખરી બોલ પર ૧ રન આપ્યો હતો. આમ તેણે બે ઓવરમાં માત્ર ૧ રન આપીને ૧ વિકેટ ઝડપી હતી.
ન્યૂઝીલેન્ડ શરૂઆતના આઘાત સાથે બેકફૂટ પર ધકેલાઈ ગયું હતુ, આ પછી વિલિયમસને ખુબ જ ધીમી બેટીંગ કરી હતી. નિકોલ્સ પણ ખાસ કમાલ કરી શક્યો નહતો. જ્યારે ટીમ ઈન્ડિયાએ મેચ પર પ્રભુત્વ જમાવી દીધું હતુ.

