ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્નો પૂછાયા હતા. જેનો જવાબ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ આપ્યો હતો. એક તબક્કે તેઓએ એવું કહ્યું હતું કે કુપોષણવાળા બાળકો શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. પરંતુ તેને બદલે ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકો એવો શબ્દનો ઉપયોગ કરવો જોઈએ.
તેઓએ કહ્યું કે ઓછા વજનવાળા દરેક બાળક દીઠ રોજના રૂપિયા 8 અને અતિ ઓછા વજનવાળા બાળક માટે રોજના 12 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેમાં ત્રણ રૂપિયાની કિંમતનો એક લાડુ તેમને ખવડાવવામાં આવે છે. તેમનો જવાબ સાંભળીને કોંગ્રેસના સભ્યો પણ હસવાનું રોકી શક્યા ન હતા અને આ અંગે અનેક સભ્યોએ જાતજાતની કોમેન્ટ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિભાવરી દવેના જવાબને પગલે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. નાગરિકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે.
કેટલાક લોકોએ ટિપ્પણી કરી છે કે રોડ પરના શૌચાલયમાં જઈએ તો પણ પાંચ રૂપિયા લેતા હોય છે. જ્યારે બાળકને માત્ર ત્રણ રૂપિયાની કિંમતનો લાડુ ખવડાવવામાં આવે છે. આ બાબત ઘણી જ વાહિયાત છે. ત્રણ રૂપિયામાં સારી ચોકલેટ પણ આવતી નથી તો પછી મંત્રીશ્રી બાળકને ત્રણ રૂપિયાની કિંમતમાં કેવી ગુણવત્તાનો લાડુ ખવડાવતા હશે તે તપાસનો વિષય છે. ગુજરાતમાં કુપોષણ વાળા બાળકોની સંખ્યાને લઇને પણ ગૃહમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી.
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અલ્પેશ ચાવડાએ કહ્યું હતું કે કુપોષણ ધરાવતા બાળકો ગુજરાતની શરમ છે. બધાએ સાથે મળીને આ સમસ્યાને દૂર કરવી જોઈએ. જ્યારે કોંગ્રેસના જ શૈલેષ પરમારે મંત્રી વિભાવરીબેન દવેને કહ્યું હતું કે કુપોષણવાળા બાળકોને પૌષ્ટીક આહાર મળે તે માટે બજેટ વધારવું જોઈએ. અમે પણ સરકારને આ કામમાં સંપૂર્ણપણે ટેકો આપીશું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસે જે સૂચન કર્યા છે તેને ધ્યાનમાં લેવાશે અને કુપોષણ દૂર કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરાશે.

