ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે18 રનથી હાર્યા પછી કહ્યું કે, ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીના શરૂઆતી સ્પેલના લીધે ટીમ વર્લ્ડ કપની બહાર થઇ હતી. તેણે કહ્યું કે તે બંનેએ ફાસ્ટ બોલિંગનો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો હતો. તેમણે અમને ભૂલ કરવા મજબૂર કર્યા હતા. 6 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી કોઈ પણ ટીમ માટે વાપસી કરવી સરળ હોતી નથી. તેમ છતાં મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાની ઇનિંગ્સ થકી અમે મેચમાં વાપસી કરી હતી.
ધોની અને જાડેજાની પાર્ટનરશીપ વિશેઃ
એ બંને ક્રિઝ પર હતા ત્યાં સુધી અમને મેચ જીતવાની ભરપૂર આશા હતી. બંનેએ બહુ જવાબદારી સાથે બેટિંગ કરી હતી. હું રવિન્દ્ર જાડેજાને 10 વર્ષથી રમતો જોઉં છું. મારી દૃષ્ટિએ આજની તેની ઈનિંગ બેસ્ટ હતી. ત્રણ ઓવરમાં 35 રન કરવાના હતા ત્યારે જીતવાની આશા હતી. પરંતુ કમનસીબે એ થઈ ન શક્યું
ટૂર્નામેન્ટના પરફોર્મન્સ વિશેઃ
સેમિ ફાઈનલની હારથી અમે દુઃખી જરૂર છીએ, પણ હતાશ બિલકુલ નથી. અમે પૂરી તાકાતથી કમબેક કરીશું। સમગ્ર ટૂર્નામેન્ટમાં અમારો દેખાવ ચેમ્પિયનને છાજે એવો રહ્યો તેનો મને સંતોષ છે. આજની મેચમાં પ્રથમ 45 મિનિટના દેખાવે જ અમને પરાસ્ત કરી દીધા.
રોહિત અને બુમરાહ વિશેઃ
સમગ્ર ટૂર્નામેન્ટમાં રોહિતનું પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ રહ્યું। તે મારી ટીમનો ઓપનર છે તેનું મને ગૌરવ છે. દરેક પરિસ્થિતિમાં, દરેક ટીમ સામે તે પૂરી ક્ષમતાથી રમ્યો. તેની પાસેથી ભારતીય ટીમને બહુ ઊંચી આશા છે. બુમરાહે આ ટૂર્નામેન્ટમાં જે પ્રકારે બોલિંગ કરી છે તેની તારિફ કરું એટલી ઓછી છે. લાઈન-લેન્ગ્થ જાળવવા ઉપરાંત બેટ્સમેનને ક્રિઝમાં બાંધી રાખવામાં પણ તે ભારે સફળ રહ્યો. આગામી વર્ષોમાં બુમરાહ દરેક ટીમને હંફાવશે.
ઋષભ પંત વિશેઃ
યુવા અને અનુભવી ખેલાડીઓનું અમાર ટીમમાં સંતુલન હતું. યુવા ખેલાડીઓમાં હું ઋષભના પરફોર્મન્સથી ખુશ છું. તેણે મુશ્કેલ સ્થિતિમાં પણ રન બનાવ્યા છે. તે ટેલેન્ટેડ છે અને સમયની સાથે તેની બેટિંગમાં નિખાર આવતો જશે.